News of Thursday, 6th August 2026
કિડની ટ્રાન્સપ્લાન્ટથી લઈને વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સ સુધીની પ્રેરણાદાયી સફર: સીકરના રામદેવ સિંહ મીલને રાષ્ટ્રપતિ ભવનનું ખાસ આમંત્રણ!
પીએમ મોદીના 'મન કી બાત'માં પ્રશંસા પામેલા ખેલાડી ૧૫ ઓગસ્ટે રાષ્ટ્રપતિ ભવનમાં 'એટ હોમ રિસેપ્શન' સમારોહમાં હાજરી આપશે; દેશભરના ખાસ મહેમાનો વચ્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરશે મુલાકાત.

સીકર: રાજસ્થાનના સીકર જિલ્લાના કંવરપુરા ગામના રહેવાસી અને વીજળી વિભાગમાં ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા રામદેવ સિંહ મીલ માટે આઝાદી પર્વ અત્યંત ગૌરવપૂર્ણ બની રહેશે. રામદેવ સિંહને ૧૫ ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસના અવસરે દેશના રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત પરંપરાગત 'એટ હોમ રિસેપ્શન' (At Home Reception) સમારોહમાં હાજરી આપવા માટે સત્તાવાર નોતરૂં મળ્યું છે. આ ખાસ સન્માન તેમને રમતગમત ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ પ્રદર્શન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં પસંદગી પામવા બદલ આપવામાં આવ્યું છે.
૧૫ ઓગસ્ટે સાંજે ૬ વાગ્યે રાષ્ટ્રપતિ ભવન કલ્ચરલ સેન્ટર (RBCC) ખાતે યોજાનારા આ ભવ્ય કાર્યક્રમમાં દેશભરમાંથી સમાજ પર સકારાત્મક અસર પાડનારા વિશિષ્ટ મહેમાનો, મંત્રીઓ અને વિદેશી મહાનુભાવો ભાગ લેશે. જ્યાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપસ્થિત રહીને રામદેવ સિંહ સહિત દેશના વિશિષ્ટ પ્રતિભા ધરાવતા આમંત્રિતો સાથે મુલાકાત કરશે.
માતાએ કિડની આપી અને રમતગમતે નવું જીવન આપ્યું
વર્ષ ૨૦૧૨ માં રામદેવ સિંહની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. આ કપરા સમયે તેમની માતાએ પોતાની એક કિડની દાન કરીને પુત્રને નવજીવન આપ્યું હતું. લાંબી સારવાર બાદ સ્વસ્થ થયેલા રામદેવ સિંહે હાર માનવાને બદલે રમતગમતને પોતાનું લક્ષ્ય બનાવ્યું. તેમણે મુંબઈમાં યોજાયેલી નેશનલ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સમાં ગોલ્ડ અને સિલ્વર સહિત અનેક મેડલો જીત્યા હતા, જ્યારે વર્ષ ૨૦૨૫ માં જર્મનીના ડ્રેસ્ડન ખાતે યોજાયેલી 'વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સ'માં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરીને દેશનું નામ રોશન કર્યું હતું.
'મન કી બાત' ના ૧૩૧મા એપિસોડમાં પીએમે કર્યા હતા વખાણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો પ્રોગ્રામ 'મન કી બાત'ના ૧૩૧મા એપિસોડમાં રામદેવ સિંહ મીલની આ સંઘર્ષપૂર્ણ અને પ્રેરણાદાયી જીવનયાત્રાનો ઉલ્લેખ કર્યો હતો અને દેશના યુવાનો માટે તેમને પ્રેરણાસ્રોત ગણાવ્યા હતા. રામદેવ સિંહ આજે પણ નિયમિત તાલીમ લે છે અને ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા અન્ય લોકોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે સતત પ્રોત્સાહિત કરે છે.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
