News of Thursday, 6th August 2026
ચીનના નવા ટેક્સ નિયમથી અબજોપતિઓમાં મચી હલચલ: ઑફશોર ટ્રસ્ટના નાણાં પર ૨૦ ટકા કર વસૂલવા માટે ૨૫ વર્ષ પાછળ જશે શી જિનપિંગ સરકાર!
ચીનની ડૂબતી અર્થવ્યવસ્થા વચ્ચે સરકાર દ્વારા આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે મોટું પગલું; હોંગકોંગથી લઈને સિંગાપોર સુધીના ધનિકોમાં વ્યાપી ગયો ફફડાટ.

નવી દિલ્હી : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સરકારના એક તાજેતરના કાનૂની નિર્ણયથી દેશના સુપર-રિચ અને અબજોપતિઓમાં ભારે અરાજકતા અને ગભરાટ ફેલાઈ ગયો છે. વર્ષોથી ચીની અબજોપતિઓ પોતાના આઈપીઓ (IPO) પહેલાના હિસ્સાથી માંડીને કૌટુંબિક સંપત્તિ વિદેશી ઑફશોર ટ્રસ્ટોમાં છુપાવતા આવ્યા છે, પરંતુ હવે ચીની નાણા મંત્રાલય અને કરવેરા સત્તાવાળાઓએ આ તમામ ભંડોળ પર કડક સકંજો કસવાનું શરૂ કરી દીધું છે.
ચીન સરકારે તાજેતરમાં એક નવો કાયદો રજૂ કર્યો છે, જે મુજબ ઑફશોર ટ્રસ્ટમાં રાખવામાં આવેલા નાણાં અને સંપત્તિ પર ૨૦ ટકા સુધીનો કર વસૂલવામાં આવશે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ કાયદો કેટલાક વિશેષ કિસ્સાઓમાં પચીસ વર્ષ અગાઉની પાછલી અસરથી લાગુ કરવામાં આવશે. ૨૪ જુલાઈએ રજૂ કરાયેલા આ નિયમ હેઠળ ૨૦૨૩થી શરૂ કરીને આવા ટ્રસ્ટમાં ટ્રાન્સફર થયેલી સંપત્તિનો ખુલાસો કરવા અને ટેક્સ ચૂકવવા માટે ૨૨ ઑક્ટોબર સુધીની (૯૦ દિવસની) ડેડલાઈન આપવામાં આવી છે. આ સમયાંતરે પાલન ન કરનાર સામે ભારે સરચાર્જ ફટકારવામાં આવશે.
ઑફશોર માર્કેટમાં અફરાતફરી અને સરકારની મજબૂરી
આ કડક નિયમો જાહેર થતાં જ હોંગકોંગ અને સિંગાપોર જેવા નાણાકીય કેન્દ્રોમાં બેચેની ફેલાઈ ગઈ છે, કારણ કે ચીની ઉદ્યોગપતિઓ સામાન્ય રીતે ત્યાં જ પોતાના ટ્રસ્ટ સ્થાપિત કરે છે. કેપીએમજી (KPMG) અને હોંગકોંગ ટ્રસ્ટીઝ એસોસિએશનના અહેવાલ મુજબ, માત્ર હોંગકોંગમાં જ ટ્રસ્ટ હેઠળ રહેલી સંપત્તિ ૨૦૨૩ સુધીમાં ૬૬૭ અબજ ડૉલર સુધી પહોંચવાનો અંદાજ છે. ચીન સરકારના આ પગલા પાછળનું મુખ્ય કારણ એ છે કે રિયલ એસ્ટેટ અને જમીન વેચાણમાં મંદી આવવાને કારણે સરકારી તિજોરીને નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે સરકાર હવે વિદેશોમાં છુપાયેલી નાગરિકોની સંપત્તિ પર ટેક્સ વસૂલીને રાજકોષ ભરવાના પ્રયાસ કરી રહી છે.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
