<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

પ્રખ્યાત લેખક ચેતન ભગતે પણ અપનાવ્યો સોશિયલ મીડિયાનો વાયરલ ‘Gen-Z ટ્રેન્ડ’: IIT દિલ્હીના જૂના મિત્રો સાથે મળીને બનાવ્યો મસ્તીભર્યો વિડિયો!

અનુપમ ખેર, બોમન ઈરાની અને રણવીર શોરીના પગલે ચાલીને ચેતન ભગતે ‘મેરે મહેબૂબ કયામત હોગી’ ગીત પર બનાવી રીલ; સોશિયલ મીડિયા પર વિડિયો થયો ધૂમ વાયરલ.

નવી દિલ્હી : ‘૨ સ્ટેટ્સ’ અને ‘હાફ ગર્લફ્રેન્ડ’ જેવી લોકપ્રિય નવલકથાઓથી લાખો વાચકોના દિલ જીતનારા જાણીતા લેખક ચેતન ભગત હવે સોશિયલ મીડિયાના ટ્રેન્ડ્સમાં પણ આગળ નીકળી રહ્યા છે. યુવાનો સાથે હંમેશાં કનેક્ટેડ રહેવા માટે પ્રખ્યાત ચેતન ભગતે તાજેતરમાં જ અભિનેતા અનુપમ ખેરના પગલે ચાલીને એક શાનદાર વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમણે IIT દિલ્હીના તેમના જૂના મિત્રો સાથે મળીને પ્રખ્યાત ગીત ‘મેરે મહેબૂબ કયામત હોગી’ પર એક મસ્તીભરી રીલ બનાવી છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

 

ચેતન ભગતે ઇન્સ્ટાગ્રામ પર આ વિડિયો શેર કરતા કેપ્શનમાં રમુજી અંદાજમાં લખ્યું છે કે, "અમારી પાસે અનુપમ ખેર જેવી અભિનય કુશળતા ન હોઈ શકે, પરંતુ અમે IIT દિલ્હીના જૂના મિત્રો છીએ અને સાથે મળીને પોતાને શરમાવવા માટે હંમેશાં તૈયાર છીએ." ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ અભિનેતા અનુપમ ખેર દ્વારા બોમન ઈરાની, પ્રવીણ દબાસ અને રણવીર શોરી સાથે આ જ ટ્રેન્ડ પર એક વિડિયો બનાવવામાં આવ્યો હતો, જે ખૂબ જ લોકપ્રિય થયો હતો.


 

સોશિયલ મીડિયા પર છવાયેલો આ વાયરલ ટ્રેન્ડ શું છે?

‘મેરે મહેબૂબ કયામત હોગી’ ગીત પર આધારિત આ ટ્રેન્ડ મૂળ રૂપે કોવિડ-૧૯ મહામારી દરમિયાન કન્ટેન્ટ ક્રિએટર શ્રી ફૈજુ (ફૈઝલ શેખ) અને તેના મિત્રો દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. તે સમયે આ રીલ એટલી બધી વાયરલ થઈ હતી કે ફૈજુ રાતોરાત સ્ટાર બની ગયો હતો. તાજેતરમાં આ ટ્રેન્ડ ફરીથી સોશિયલ મીડિયાની હેડલાઇન્સમાં આવ્યો છે, જ્યાં શેફ રણવીર બ્રાર અને કોમેડિયન ઝાકિર ખાન સહિતની અનેક મોટી હસ્તીઓ તેમાં જોડાઈને મસ્તી કરતી નજરે પડી રહી છે.

 

(6:54 PM IST)