<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

રાજ્યસભામાં 'આતંકવાદી' નારાઓ લાગ્યા : ભાજપના ચોંકાવનારા પ્રહારો પર કોંગ્રેસનો પલટવાર

૨૦૧૪ પહેલાના રાજકારણનો ઉલ્લેખ કરી ભાજપના સાંસદ અનિલ બોન્ડેએ ગૃહમાં સર્જ્યો વિવાદ : ભાજપ સાંસદોના તીખા નારાબાજી સામે કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે સરકારની નિષ્ફળતા ગણાવી લીધા આકરા આડેહાથ

નવી દિલ્હી  :  સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં રાજકીય ગરમાવો ત્યારે ચરમસીમાએ પહોંચી ગયો જ્યારે શાસક પક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા. મહારાષ્ટ્રના ભાજપના રાજ્યસભા સાંસદ ડૉ. અનિલ સુખદેવરાવ બોન્ડેએ ૨૦૧૪ પહેલાના રાજકીય વાતાવરણ અને ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પર તીખા પ્રહારો કર્યા હતા. તેમણે ગૃહમાં ઉશ્કેરણીજનક શૈલીમાં પ્રશ્નો પૂછ્યા કે "કોલસા ચોર, ભ્રષ્ટ અને આતંકવાદીઓ ક્યાં મળશે?" બોન્ડેના આ સવાલનો વિરોધ કરવાને બદલે ટ્રેઝરી બેન્ચ પર બેઠેલા શાસક પક્ષના અન્ય ભાજપ સાંસદોએ એકસૂરે "કોંગ્રેસ કાર્યાલયમાં" ના નારા લગાવી આખા ગૃહને ગંજવી મૂક્યું હતું. આટલેથી ન અટકતા, તેમણે રાષ્ટ્રવિરોધી, દેશદ્રોહી અને ખેડૂતવિરોધી તત્વોના સરનામા અંગે પણ આવા જ સવાલો દોહરાવ્યા અને ભાજપ સભ્યોએ ફરી એ જ નારાબાજી ચાલુ રાખી હતી.

ગૃહમાં અચાનક શરૂ થયેલા આ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર અને ભારે હોબાળાને કારણે સત્રની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોઈને આસન પર બિરાજમાન ઉપાધ્યક્ષ હરિવંશે તુરંત હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. તેમણે સાંસદ અનિલ બોન્ડેને કડક શબ્દોમાં ટોકતા સ્પષ્ટ આદેશ આપ્યો કે તેઓ મુળ ચર્ચાના વિષય પર જ પોતાની વાત રાખે અને મુદ્દાથી ભટકે નહીં. ઉપાધ્યક્ષે તાકીદ કરી હતી કે નિયમો અનુસાર માત્ર મૂળ વિષય સંબંધિત ટિપ્પણીઓ જ ગૃહના અધિકૃત રેકોર્ડ પર લેવામાં આવશે, જેના કારણે શાસક પક્ષના સભ્યોને પોતાના અવાજ પર લગામ લગાવવી પડી હતી.

બીજી તરફ, ભાજપના આ આક્રમક અને વિવાદાસ્પદ આરોપો સામે કોંગ્રેસે પણ તીવ્ર પ્રતિક્રિયા આપી પલટવાર કર્યો છે. કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે ભાજપના દાવાઓની ધજગિયા ઉડાડતા સવાલ કર્યો કે જો ભાજપ સાંસદની વાતમાં સહેજ પણ સચ્ચાઈ હોય, તો ૨૦૧૪થી દેશમાં સત્તા ભોગવી રહેલી ભાજપ સરકારે અત્યાર સુધીમાં કોંગ્રેસ કાર્યાલયમાંથી કેટલા આતંકવાદીઓની ઓળખ કરીને ધરપકડ કરી છે? તેમણે ઉમેર્યું કે જો એક પણ આતંકવાદી પકડાયો નથી તો આ તમારી જ સરકારની મોટી નિષ્ફળતા સાબિત કરે છે. મસૂદે આરોપ લગાવ્યો કે દેશના વાસ્તવિક અને મહત્વના મુદ્દાઓ પરથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે જ ભાજપ દ્વારા ગૃહમાં આવી નિમ્ન કક્ષાની નાટકબાજી કરવામાં આવી રહી છે.

(7:20 PM IST)