News of Thursday, 6th August 2026
સીજેપીની 'કોકરોચ જનતા પાર્ટી' સપ્ટેમ્બરથી દેશવ્યાપી આંદોલન છેડશે
છેલ્લા ૧૪ વર્ષની સત્તા સામે અવાજ ઉઠાવતા અભિજીત દીપકે શિક્ષણ ક્ષેત્રે મોંઘવારી, કૌભાંડો અને બંધારણીય મૂલ્યોના હનન પર આપ્યું આક્રમક નિવેદન : રાજકીય પક્ષ બનવાને બદલે શક્તિશાળી 'પ્રેશર ગ્રુપ' તરીકે જનતાનો અવાજ બુલંદ કરવાનો કર્યો દાવો

નવી દિલ્હી : દેશના રાજકીય અને સામાજિક ક્ષેત્રે ભારે ચર્ચા જગાવનાર 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના સ્થાપક અભિજીત દીપકે બે દિવસની ગહન બેઠક બાદ એક મોટો ધમાકો કર્યો છે. આગામી સપ્ટેમ્બર મહિનાથી તેમની પાર્ટી "ક્યા બોલતી પબ્લિક" નામના વિશાળ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો પ્રારંભ કરવા જઈ રહી છે. કલેક્ટર ઓફિસ અને જંતર મંતર પર યુવાનો તથા વિદ્યાર્થીઓના કૌભાંડો સામેના વિરોધ પ્રદર્શન બાદ, હવે દેશભરના સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી સીધો સંપર્ક સાધવાનો આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય છે. દીપકે કેન્દ્રમાં રહેલી એનડીએ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતું કે દેશમાં છેલ્લા ૧૪ વર્ષથી જુલમ અને સરમુખત્યારશાહીનું વાતાવરણ ઊભું થયું હતું, પરંતુ હવે જનતાના મનમાંથી ભય અને ડર સંપૂર્ણપણે ગાયબ થઈ ગયા છે.
અભિજીત દીપકે સ્પષ્ટ કર્યું હતું કે સીજેપી કોઈ પરંપરાગત રાજકીય પક્ષ તરીકે ચૂંટણી લડવા માંગતી નથી, પરંતુ દેશની લોકશાહી પ્રક્રિયાને મજબૂત કરવા માટે એક 'પ્રેશર ગ્રુપ' (દબાણ જૂથ) તરીકે સક્રિયપણે કાર્ય કરશે. તેમણે જણાવ્યું કે તેમની વિચારધારા સંપૂર્ણપણે ભારતીય બંધારણ, ડૉ. બી.આર. આંબેડકર, મહાત્મા ગાંધી અને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના ધર્મનિરપેક્ષ અને લોકશાહી મૂલ્યો પર આધારિત રહેશે. તેમણે દેશની લોકશાહી સંસ્થાઓની સ્વાયત્તતા સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું કે આજે જનતાનો ચૂંટણી પંચ અને ન્યાયતંત્ર પરનો વિશ્વાસ ડગમગી રહ્યો છે, જે લોકશાહી માટે ખતરનાક સંકેત છે.
"ક્યા બોલતી પબ્લિક" અભિયાન હેઠળ સીજેપીનો મુખ્ય ભાર દેશમાં કૂદકે ને ભૂસકે વધતી શિક્ષણ ક્ષેત્રની મોંઘવારી અને વેપારીકરણ પર રહેશે. દીપકે ઉદાહરણ આપતા કહ્યું કે આજે ધોરણ ૧ માં પ્રવેશ મેળવવા માટે સામાન્ય પરિવારોએ લાખો રૂપિયાની ફી અને ડોનેશન ચૂકવવું પડે છે, જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગ દેવાના બોજ તળે દબાઈ રહ્યો છે. આ રાષ્ટ્રવ્યાપી પ્રવાસ દરમિયાન પાર્ટી દેશના ખુણે-ખુણામાંથી યુવાનો અને સામાન્ય જનતાનો અવાજ એકત્રિત કરશે અને સરકારને શિક્ષણ સુધારા, રોજગારી અને બંધારણીય હકો બાબતે જવાબદારી સ્વીકારવા મજબૂર કરશે.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
