<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

મોદી કેબિનેટનો માસ્ટરસ્ટ્રોક: ₹૩૨,૭૦૦ કરોડના બજેટ સાથે 'ગોબર્ધન' અને ગુવાહાટી-તેજપુર કોરિડોરને મંજૂરી

૨૦૩૫-૩૬ સુધી દેશભરમાં બાયોગેસ ક્રાંતિ લાવવા ₹૨૩,૭૩૧ કરોડ અને આસામમાં વાયુસેના માટે ઇમરજન્સી લેન્ડિંગ રનવે સાથે ₹૮,૯૭૦ કરોડના ફોર-લેન હાઇવે પ્રોજેક્ટને કેન્દ્રીય મંત્રીમંડળની લીલી ઝંડી

 નવી દિલ્હી :  દેશના ઉર્જા અને માળખાગત ક્ષેત્રને એક નવી ઊંચાઈએ લઈ જવા માટે કેન્દ્રીય કેબિનેટે ₹૩૨,૭૦૦ કરોડથી વધુના બે ઐતિહાસિક નિર્ણયો પર મંજૂરીની મહોર મારી દીધી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ભારતના ભાવિ ઉર્જા સ્વરૂપ તરીકે કોમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) ને પ્રોત્સાહન આપવા માટે ₹૨૩,૭૩૧ કરોડના ભવ્ય બજેટ સાથે 'ગોબર્ધન યોજના' લાગુ કરવામાં આવશે. ૨૦૨૬-૨૭ થી ૨૦૩૫-૩૬ સુધીના દાયકા માટે ઘડાયેલી આ યોજના હેઠળ પશુઓનું છાણ, ખેતરનો કચરો, શેરીઓનો કાદવ અને શહેરી ભીના કચરાને અદ્યતન ટેકનોલોજીથી સ્વચ્છ ઇંધણ તેમજ કાર્બનિક ખાતરમાં ફેરવવામાં આવશે, જેનાથી પ્રદૂષણ ઘટવાની સાથે ગ્રામીણ અર્થતંત્રને મોટો બૂસ્ટર ડોઝ મળશે.

આ યોજના હેઠળ માત્ર પ્લાન્ટ સ્થાપવા પૂરતું સીમિત ન રહેતા, ગેસના વ્યાજબી ભાવ, સસ્તી લોન, સંશોધન અને સમગ્ર દેશમાં પાઇપલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે સરકાર નાણાકીય સહાય પૂરી પાડશે. આનાથી ગામડાઓમાં રોજગારીના હજારો નવા અવસરો ઉભા થશે અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થશે. બાયોગેસના ઉત્પાદનથી ભારતની પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટશે અને પ્રકૃતિને નુકસાન પહોંચાડતા કચરાનો યોગ્ય નિકાલ શક્ય બનશે.

બીજી તરફ, પૂર્વોત્તર ભારતની સુરક્ષા અને કનેક્ટિવિટી મજબૂત કરવા માટે કેબિનેટે આસામમાં ₹૮,૯૭૦.૨૦ કરોડના ખર્ચે ૧૩૫.૮૭ કિલોમીટર લાંબા ગુવાહાટી-તેજપુર NH-15 કોરિડોરના નિર્માણને મંજૂરી આપી છે. 'બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર'  મોડ પર બનનારા આ અદ્યતન ફોર-લેન હાઇવે પર ભારતીય વાયુસેના  ના લડાયક વિમાનો માટે તેજપુર બાયપાસ ખાતે ૪.૯ કિલોમીટર લાંબી ખાસ 'ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા પણ બનાવવામાં આવશે. એટલું જ નહીં, પર્યાવરણ અને વન્યજીવોનું જતન કરવા માટે સમગ્ર રૂટ પર ૧૫ મોટા પુલ, ૧૯ ફ્લાયઓવર અને હાથીઓ માટે ખાસ અંડરપાસનું નિર્માણ કરાશે, જે આસામ અને અરુણાચલ પ્રદેશ વચ્ચેનો પ્રવાસ અડધા સમયમાં પૂરો કરશે.

(7:23 PM IST)