<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

સંસદીય મડાગાંઠ ઉકેલવા મોટો પ્રયાસ: કિરેન રિજિજુ અને રાહુલ ગાંધી વચ્ચે મહિલા અનામત અને સીમાંકન પર મહત્વપૂર્ણ ચર્ચા

અમે રાજકીય હરીફ હોઈ શકીએ પણ દુશ્મન નહીં": ગૃહમાં ગતિરોધ દૂર કરવા અને રાષ્ટ્રીય હિતના બિલો પર વિપક્ષનો સહયોગ મેળવવા વિપક્ષના નેતા સાથે યોજી બેઠક

નવી દિલ્હી :  સંસદના બંને ગૃહોમાં ચાલી રહેલી ગંભીર રાજકીય મડાગાંઠ અને હોબાળાને તોડવા માટે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે. બંને નેતાઓ વચ્ચે મહિલા અનામત બિલ, સીમાંકન  અને સંસદની સુચારુ કાર્યવાહી અંગે વિગતવાર ચર્ચા થઈ હતી. સરકારી સૂત્રો મુજબ, સંસદમાં મહત્વપૂર્ણ બિલો પસાર કરવા માટે શાસક પક્ષ પાસે પર્યાપ્ત સંખ્યાબળ ઉપલબ્ધ છે, તેમ છતાં કોંગ્રેસ દેશનો મુખ્ય વિપક્ષી પક્ષ હોવાથી સરકાર તેને સાથે રાખીને આગળ વધવા માંગે છે. આ બેઠક બાદ રાહુલ ગાંધીએ પણ આશ્વાસન આપ્યું હતું કે તેઓ ઈન્ડિયા (INDIA) ગઠબંધનના તમામ સાથી પક્ષો સાથે આ મુદ્દે ચર્ચા કરીને સરકાર સાથે ફરી વાતચીતનો દોર આગળ ધપાવશે.

બેઠક બાદ મીડિયાને સંબોધતા કિરેન રિજિજુએ એક સકારાત્મક સંદેશ આપતા કહ્યું કે, "અમે રાજકીય રીતે હરીફ હોઈ શકીએ છીએ પણ એકબીજાના દુશ્મન નથી, તેથી રાષ્ટ્રીય હિતમાં તમામ પક્ષોએ સાથે મળીને કામ કરવું જોઈએ." તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન અને ગૃહમંત્રી સવારથી સાંજ સુધી ગૃહમાં હાજર રહીને દેશના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા આતુર છે. પરંતુ વિપક્ષી સભ્યો ગૃહની અંદર ચર્ચા કરવાને બદલે બહાર જઈને સૂત્રોચ્ચાર કરે છે તે યોગ્ય નથી. સતત થઈ રહેલા વોકઆઉટના કારણે ખાસ કરીને કોંગ્રેસના નવા ચૂંટાયેલા સાંસદોને ગૃહમાં પોતાના વિસ્તારના પ્રશ્નો અને મંતવ્યો રજૂ કરવાનો મોકો મળતો નથી, જેનાથી તેમને જ સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે.

મંત્રી રિજિજુએ વિપક્ષના આ વલણ સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દેશ આજે ઝડપથી આગળ વધી રહ્યો છે, પરંતુ વિપક્ષ દરરોજ એક જ વિષય પર હોબાળો મચાવીને સંસદનું કામકાજ અટકાવવાનો પ્રયાસ કરે છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વડાપ્રધાને પેપર લીક જેવી ગંભીર સમસ્યાઓ સામે કડક અને ક્રાંતિકારી નિર્ણયો લીધા છે, તેમ છતાં વિપક્ષી નેતાઓ બિનજરૂરી મુદ્દાઓ ઉભા કરીને ગૃહમાં ખલેલ પહોંચાડી રહ્યા છે. રાજ્યસભામાં વિપક્ષના વોકઆઉટ વચ્ચે પણ મહત્વપૂર્ણ બિલ પસાર થઈ રહ્યા છે, પરંતુ લોકશાહીની ગરિમા જાળવવા માટે વિપક્ષે સંસદીય ચર્ચામાં સક્રિયપણે ભાગ લેવો જોઈએ.

(7:24 PM IST)