News of Thursday, 6th August 2026
કેન્દ્ર સરકારનો સપાટો: વાંધાજનક અને ડીપફેક કન્ટેન્ટ હટાવવા સોશિયલ મીડિયા કંપનીઓને માત્ર ૩ કલાકનું અલ્ટીમેટમ
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રોદ્યોગિકી મંત્રાલયના નવા કડક નિર્દેશો : ૨૪-૩૬ કલાકની જૂની મર્યાદા નાબૂદ, સમયસર અમલ નહીં કરનાર ફેસબુક, એક્સ અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ્સ ગુમાવશે 'સેફ હાર્બર'નું કાનૂની કવચ

નવી દિલ્હી : ડિજિટલ યુગમાં સાયબર વિરોધી પ્રવૃત્તિઓ, વાંધાજનક સામગ્રી અને એઆઈ (AI) દ્વારા નિર્મિત ક્રોધાવેશી 'ડીપફેક' કન્ટેન્ટના ઝડપી ફેલાવાને ડામવા માટે કેન્દ્ર સરકારે ડિજિટલ સ્પેસ પર પોતાની પકડ અત્યંત મજબૂત કરી દીધી છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા ક્રાંતિકારી અને કડક આદેશ અનુસાર, હવેથી તમામ સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સને ફરિયાદ કે રિપોર્ટ મળ્યાના ગણતરીના ૩ કલાકની અંદર વાંધાજનક, ગેરકાયદેસર કે દેશની સુરક્ષાને સંવેદનશીલ બનાવતી સામગ્રી તાત્કાલિક હટાવવી ફરજિયાત રહેશે. અગાઉ પ્લેટફોર્મ્સ પાસે આવી કાર્યવાહી કરવા માટે ૨૪ થી ૩૬ કલાકનો લાંબો સમયગાળો રહેતો હતો, જેને સરકારે તાત્કાલિક અસરથી ઘટાડીને માત્ર ત્રણ જ કલાક કરી દીધો છે.
કેન્દ્ર સરકારનું સ્પષ્ટપણે માનવું છે કે આજના ઇન્ટરનેટ યુગમાં કોઈ પણ નકલી કે ભ્રામક વિડિયો મિનિટોમાં કરોડો લોકો સુધી પહોંચીને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. આઝાદી અને અભિવ્યક્તિના નામે ફેલાવાતી આવી સામગ્રી વ્યક્તિના ગૌરવ, સામાજિક શાંતિ, ભાઈચારા અને દેશની સાર્વભૌમત્વને ક્યારેય ન ભરી શકાય તેવું મોટું નુકસાન પહોંચાડે છે. આ નવી સમયમર્યાદા લાગુ થવાથી ડીપફેક કન્ટેન્ટ, ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટીરીયલ (CSAM), સંમતિ વિના વાયરલ કરાતી વ્યક્તિગત અને અશ્લીલ સામગ્રી તેમજ દેશમાં કાયદો અને વ્યવસ્થા ખોરવતા નકલી અફવાયુક્ત સમાચારોનો ફેલાવો પ્રારંભિક તબક્કે જ સંપૂર્ણપણે અટકાવી શકાશે.
સરકારે આ આદેશ સાથે તમામ આંતરરાષ્ટ્રીય અને દેશી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આકરી ચેતવણી પણ આપી દીધી છે. જો કોઈ કંપની નિયત ૩ કલાકની મર્યાદાનું પાલન કરવામાં નિષ્ફળ જશે, તો તે ભારતીય ઇન્ફર્મેશન ટેકનોલોજી (IT) એક્ટની કલમ ૭૯ હેઠળ મળતું 'સેફ હાર્બર' (Safe Harbour) નું કાનૂની રક્ષણ ક્ષણભરમાં ગુમાવી દેશે. આ કવચ છીનવાઈ જતાં જ સોશિયલ મીડિયા કંપનીઓ માત્ર એક થર્ડ-પાર્ટી મધ્યસ્થી નહીં રહે, પરંતુ ગેરકાયદે સામગ્રીના ફેલાવા બદલ તેમની સામે સીધેસીધી ફોજદારી અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સરકારના આ માસ્ટરસ્ટ્રોકથી સોશિયલ મીડિયા ક્ષેત્રે જવાબદારી અને પારદર્શિતાનો એક નવો યુગ શરૂ થવાની અપેક્ષા છે.
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
