News of Thursday, 6th August 2026
અવકાશમાં વધી રહેલા જોખમી કચરાને કારણે ભારતીય ઉપગ્રહો પર મંડરાયો ગંભીર ખતરો: લોહીચૂસક બની ગયેલો સ્પેસ જંક બની રહ્યો છે દેશની ટેકનોલોજી માટે મોટો પડકાર!
નીચી પૃથ્વી ભ્રમણકક્ષામાં રહેલા ૨૨માંથી ૨૦ ભારતીય સેટેલાઇટ પર અવકાશ કાટમાળ સાથે અથડાવાનું જોખમ; ઇસરો દ્વારા ટક્કર ટાળવા માટે કરાઈ રહ્યા છે વિશેષ દાવપેચ.

નવી દિલ્હી : આજના આધુનિક યુગમાં આપણી નાની-મોટી દરેક જરૂરિયાત—જેમ કે ઇન્ટરનેટ, ફોન અને હવામાનની માહિતી—અવકાશમાં ફરતા ઉપગ્રહો પર નિર્ભર છે. પરંતુ માનવીય પ્રવૃત્તિઓના કારણે અવકાશમાં કચરાનો એક વિશાળ ઢગલો ભેગો થઈ ગયો છે, જે હવે એક ભયાનક 'લોહીચૂસક' સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. સરકારે સંસદમાં આપેલી માહિતી મુજબ, નીચી પૃથ્વી ભ્રમણકક્ષા (LEO) માં રહેલા આપણા ૨૨ ભારતીય ઉપગ્રહોમાંથી ૨૦ સેટેલાઇટ પર અવકાશ કાટમાળ (સ્પેસ ડેબ્રિસ) સાથે અથડાવાનું ઊંચું જોખમ તોળાઈ રહ્યું છે.
કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી જીતેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, ૨૦૦૦ કિલોમીટરથી નીચેની ભ્રમણકક્ષામાં અવકાશ પદાર્થોની સંખ્યા સતત વધી રહી છે. સંભવિત અથડામણોને ટાળવા માટે ઇસરો (ISRO) દ્વારા વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં ૯ વખત સેટેલાઇટની ઓર્બિટ (ભ્રમણકક્ષા) માં ફેરફાર કરવામાં આવ્યા છે, જેને 'કોલિઝન અવોઈડન્સ મેન્યુવર' કહેવામાં આવે છે. આ જોખમને ધ્યાનમાં રાખીને ભારતે ૨૦૨૪માં 'ડેબ્રિસ ફ્રી સ્પેસ મિશન' ની પહેલ શરૂ કરી છે, જેથી ભવિષ્યમાં શૂન્ય કાટમાળનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય.
અવકાશ ભંગાર એટલે શું અને તે કેટલો ખતરનાક છે?
૧૯૫૭માં પ્રથમ ઉપગ્રહ અવકાશમાં મોકલ્યા બાદથી નિષ્ક્રિય સેટેલાઇટ, રોકેટના છોડેલા ભાગો અને અબજો નાના ટુકડાઓ અવકાશમાં જમા થયા છે, જેને સ્પેસ જંક કહેવામાં આવે છે. આ કચરો સુપર-ફાસ્ટ બુલેટની ગતિએ ભ્રમણ કરે છે. જો તેનો એક નાનો ટુકડો પણ સક્રિય ઉપગ્રહ સાથે અથડાય, તો પૃથ્વી પર આપણી જીપીએસ (GPS), ઇન્ટરનેટ અને કોમ્યુનિકેશન સિસ્ટમ એક ક્ષણમાં ઠપ્પ થઈ શકે છે. આ વૈશ્વિક સમસ્યા સામે હવે ભારત સહિત દુનિયાભરની અવકાશ એજન્સીઓ સઘન કામ કરી રહી છે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
