<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

ઉત્તર પ્રદેશની ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં દલિત વોટ બેંક રીઝવવા યોગી સરકારનો ₹૪૦૭ કરોડનો માસ્ટરસ્ટ્રોક: અખિલેશ યાદવ અને માયાવતીની વધી ચિંતા!

‘બી.આર. આંબેડકર મૂર્તિ વિકાસ યોજના’ અંતર્ગત રાજ્યભરના સ્મારકો અને પ્રતિમાઓનું થશે નવીનીકરણ; યુપીના રાજકારણમાં દલિત પરિબળોને ધ્યાનમાં રાખીને ભાજપની મોટી રણનીતિ.

લખનૌ : ઉત્તર પ્રદેશમાં વર્ષ ૨૦૨૭માં યોજાનારી વિધાનસભા ચૂંટણીના હજુ સમય બાકી છે, પરંતુ રાજ્યનું રાજકારણ અત્યારથી જ ગરમાયું છે અને તમામ પક્ષોએ પોતાની રણનીતિઓ ગોઠવવાનું શરૂ કરી દીધું છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં દલિત મતદારોના સમર્થનમાં આવેલા પરિવર્તનને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ હવે દલિત વોટ બેંકને મજબૂત કરવા માટે મોટું પગલું ભર્યું છે. રાજ્ય સરકારના પૂરક બજેટમાં 'બી.આર. આંબેડકર મૂર્તિ વિકાસ યોજના' માટે ₹૪૦૭ કરોડનું જંગી ભંડોળ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે, જેનાથી વિપક્ષી નેતાઓ અખિલેશ યાદવ અને માયાવતીની ચિંતાઓ વધી ગઈ છે.

 

આ નવી યોજના હેઠળ ઉત્તર પ્રદેશના દરેક વિધાનસભા મતવિસ્તારમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર, સંત રવિદાસ, મહાત્મા જ્યોતિબા ફૂલે અને મહર્ષિ વાલ્મીકિ જેવા મહાપુરુષોને સમર્પિત સ્મારકો અને પ્રતિમાઓનું નવીનીકરણ તથા સુંદરકીરણ કરવામાં આવશે. યુપીમાં ૨૧ થી ૨૨ ટકા દલિત વસ્તી રાજ્યની ૮૫ અનામત બેઠકો ઉપરાંત ૧૪૦ થી વધુ સામાન્ય બેઠકો પર સીધો પ્રભાવ ધરાવે છે. ૨૦૨૪ની ચૂંટણીમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે ભાજપ હવે આ સાંસ્કૃતિક અને સામાજિક વિકાસના માધ્યમથી પોતાના રાજકીય આધારને વધુ મજબૂત કરવા સક્રિય બની છે.


 

વિપક્ષોની રણનીતિ અને ભાજપનો સામાજિક સમરસતાનો એજન્ડા

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પોતાની 'પીડીએ' (પછાત, દલિત, લઘુમતી) ફોર્મ્યુલા અને જાતિ ગણતરીના મુદ્દાઓ દ્વારા દલિતોને પોતાની સાથે જાળવી રાખવાના પ્રયાસો કરી રહ્યા છે, જ્યારે બસપા પ્રમુખ માયાવતી પણ પોતાની પરંપરાગત વોટ બેંક પાછી મેળવવા મેદાનમાં ઉતરી ચૂક્યા છે. બીજી તરફ, ભાજપ માત્ર સરકારી યોજનાઓ જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માધ્યમથી પાયાના સ્તરે સામાજિક સંવાદિતાના સિદ્ધાંતો પર કામ કરી રહી છે, જેથી આગામી ચૂંટણીમાં રાજકીય સમીકરણો પોતાના પક્ષમાં લાવી શકાય.

(7:41 PM IST)