News of Thursday, 6th August 2026
કોર્ટમાંથી નિર્દોષ જાહેર થયા બાદ અયોધ્યામાં ભાજપના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનું જોવા મળ્યું ભવ્ય શક્તિ પ્રદર્શન: આગામી ઉત્તર પ્રદેશ ચૂંટણી પહેલાં રાજકારણમાં ભીષણ વાપસીના એંધાણ!
હનુમાનગઢી ખાતે શીશ ઝુકાવીને શરૂ કર્યું શક્તિ પ્રદર્શન; સમાજવાદી પાર્ટીમાં જોડાવાની અટકળોને ફગાવીને સ્પષ્ટ કર્યું કે તેઓ ભાજપ સાથે જોડાયેલા છે અને ૨૦૨૯ની ચૂંટણી લડશે.

અયોધ્યા : જાતીય શોષણના કેસમાંથી કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે અયોધ્યામાં ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું છે. હજારો સમર્થકો અને લક્ઝરી કારોના કાફલા સાથે અયોધ્યા પહોંચેલા બ્રિજભૂષણે હનુમાનગઢી ખાતે પહોંચીને બજરંગબલીના દર્શન કર્યા હતા અને આશીર્વાદ લીધા હતા. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને હવે થોડા જ મહિનાઓ બાકી છે ત્યારે આ શક્તિ પ્રદર્શનને રાજકારણમાં તેમના કમબેક તરીકે જોવામાં આવી રહ્યું છે.
છેલ્લા કેટલાક દિવસોમાં તેમના કેટલાક નિવેદનોના કારણે એવી ચર્ચાઓ જોર પકડ્યું હતું કે તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાઈ શકે છે, પરંતુ મીડિયા સાથે વાતચીત કરતા બ્રિજભૂષણે આ તમામ અટકળોને સદંતર ફગાવી દીધી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે મુશ્કેલ સમયમાં અખિલેશ યાદવ પણ તેમની સાથે ઉભા રહ્યા ન હતા. નોઈડાથી લઈને વૃંદાવન અને ગોંડા સુધી તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને ઠેર-ઠેર "સત્યનો વિજય થયો છે" ના બેનરો સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
આગામી ચૂંટણીઓમાં ભાજપ પર રહેલો પ્રભાવ અને રાજકીય સમીકરણો
વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં વિવાદોના કારણે પાર્ટી દ્વારા તેમની ટિકિટ કાપવામાં આવી હતી અને તેમના પુત્ર કરણ ભૂષણ સિંહને કૈસરગંજથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, જ્યાં તેઓ વિજયી થયા હતા. હવે કોર્ટમાંથી ક્લીનચીટ મળ્યા બાદ બ્રિજભૂષણનું રાજકીય કદ વધુ મજબૂત બન્યું છે. પૂર્વાંચલ અને અવધ ક્ષેત્રમાં તેમનો મોટો જનઆધાર હોવાના કારણે આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટોની વહેંચણી વખતે પાર્ટીએ તેમની ભલામણો અને પ્રભાવને ધ્યાનમાં લેવો જ પડશે.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
