<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

ઉત્તર પ્રદેશના અમરોહામાં સર્જાયો હૃદયદ્રાવક અકસ્માત: ભારે વરસાદથી બચવા માટે છત નીચે ઊભેલા એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ!

તાજપુર ગામમાં નિર્માણાધીન મકાનનું લિંટર અચાનક તૂટી પડતાં માતા અને એક વર્ષના માસૂમ બાળક સહિત ત્રણ લોકોનાં કરુણ મૃત્યુ; વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ.

અમરોહા : ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાંથી એક અત્યંત દુખદ અને હચમચાવનારી ઘટના સામે આવી છે. જિલ્લાના સૈદાનવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના તાજપુર ગામમાં સતત વરસાદ વચ્ચે એક નિર્માણાધીન મકાનનો નવનિર્મિત લિંટર અચાનક ધસી પડ્યો હતો. વરસાદથી બચવા માટે આ લિંટર નીચે આશરો લઈ રહેલા લોકો અચાનક કાટમાળ નીચે દટાઈ ગયા હતા, જેના કારણે એક મહિલા અને તેના એક વર્ષના નાના પુત્ર સહિત ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

 

મળતી માહિતી મુજબ, મીનુ નામની મહિલા પોતાના પિયરમાં આયોજિત એક પ્રસંગમાં સામેલ થવા માટે આવી હતી. અચાનક વરસાદ શરૂ થતાં પરિવારના સભ્યો આશરો લેવા માટે મકાનના લિંટર નીચે ઊભા હતા, ત્યારે જ અચાનક આખો લિંટર તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં ૩૦ વર્ષીય મીનુ, તેનો એક વર્ષનો પુત્ર લાલ સિંહ અને ૬૫ વર્ષીય સ્મૃતિનું કરુણ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. નીતિન ગૌર અને પોલીસ અધિક્ષક લખન સિંહ યાદવ તાત્કાલિક કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.


 

જેસીબીની મદદથી કાટમાળ હટાવીને ઘાયલોને બચાવાયા

દુર્ઘટના બાદ સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને જેસીબી મશીનની મદદથી કાટમાળ હટાવીને દટાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી હતી, જ્યારે પોલીસે ત્રણેય મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ અકસ્માત પાછળ બાંધકામમાં કોઈ બેદરકારી હતી કે કેમ તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

 

(8:06 PM IST)