<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

શિવસેના નામ અને પ્રતીક વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં ગરમાગરમ સુનાવણી: વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સીજેઆઈ સૂર્યકાંતની બેંચ સમક્ષ રજૂ કરી દલીલો, કહ્યું કે કાનૂની અટપટી પરિસ્થિતિમાં આપણે વચ્ચે ફસાયા છીએ!

પક્ષપલટા વિરોધી કાયદા અને ચૂંટણી પંચના અધિકારક્ષેત્ર પર ઉઠાવ્યા ગંભીર સવાલો; સુપ્રીમ કોર્ટે મામલાની આગામી સુનાવણી મંગળવાર કે બુધવાર પર નિર્ધારિત કરી.

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં શિવસેનાના નામ અને ચૂંટણી પ્રતીક (ધનુષ્ય-તીર) ના વિવાદને લઈને ચાલી રહેલી કાનૂની લડાઈ વધુ તેજ બની છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની આગેવાની હેઠળની બેંચ સમક્ષ ઉદ્ધવ ઠાકરે જૂથનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે અત્યંત આક્રમક અંદાજમાં પોતાની દલીલો રજૂ કરી હતી. સુનાવણી દરમિયાન સિબ્બલે કડક શબ્દોમાં ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે ગેરલાયકાતની અરજી પર નિર્ણય લેતા અગાઉ પ્રતીક અંગે લેવાયેલા નિર્ણયના કારણે આજે આખી કાનૂની વ્યવસ્થા એક અટપટી સ્થિતિમાં મુકાઈ ગઈ છે.

 

સિબ્બલે ચૂંટણી પંચના અધિકારક્ષેત્ર પર સવાલ ઉઠાવતા દલીલ કરી હતી કે પંચે ધારાસભ્ય પક્ષમાં થયેલા વિભાજનને સમગ્ર પક્ષનું વિભાજન માની લીધું હતું, જે કાયદાકીય રીતે યોગ્ય નથી. તેમણે ઉમેર્યું હતું કે ઔપચારિક પક્ષના બંધારણ અને સંગઠનાત્મક સમર્થનની અવગણના કરીને લેવાયેલા નિર્ણયોને કારણે લોકશાહી અને સંસ્થાકીય અખંડિતતા સામે ગંભીર જોખમ ઊભું થયું છે. સુપ્રીમ કોર્ટની બેંચે બંને પક્ષોની વિસ્તૃત દલીલો સાંભળ્યા બાદ આ કેસની આગામી સુનાવણી આગામી સપ્તાહે મંગળવાર અથવા બુધવાર પર મુલતવી રાખી છે.

 

(8:08 PM IST)