News of Thursday, 6th August 2026
ભારત-નેપાળ સરહદ પર આવેલા વિવાદિત સુસ્તા વિસ્તારમાં માટીના બંધના નિર્માણને લઈને તણાવ વધ્યો: એસએસબી જવાનો પર પથ્થરમારો કરનાર ૧૫૦ થી વધુ અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ!
વાલ્મીકીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરવર્તન અને હુમલાની ગંભીર ઘટના; ભારત અને નેપાળના સુરક્ષા અધિકારીઓ વચ્ચે અગાઉ થયેલા કરારનું ઉલ્લંઘન થતાં સરહદ પર સુરક્ષા સઘન કરાઈ.

પટના : બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના બગાહા અંતર્ગત ભારત-નેપાળ સરહદ પર આવેલા વિવાદિત સુસ્તા વિસ્તારમાં તણાવની મોટી ઘટના સામે આવી છે. સરહદ સુરક્ષા દળ (SSB) ની પેટ્રોલિંગ ટીમ પર પથ્થરમારો કરવા અને દુર્વ્યવહાર કરવા બદલ નેપાળના સુસ્તા ગામના ૧૫૦ થી ૨૦૦ અજાણ્યા વ્યક્તિઓ સામે વાલ્મીકીનગર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. આ ઘટનાથી સરહદી વિસ્તારોમાં હલચલ મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, ગત ૩૧ જુલાઈએ ભારત અને નેપાળના સુરક્ષા અધિકારીઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી જેમાં યથાસ્થિતિ જાળવી રાખવા અને માટીના બંધને નિર્ધારિત સીમાથી આગળ ન વધારવા માટે પરસ્પર કરાર થયો હતો. જોકે, આ કરાર છતાં ભારતીય સરહદના સુસ્તા વિસ્તારમાં માટીના બંધનું બાંધકામ ફરી શરૂ થતા એસએસબીના ડેપ્યુટી કમાન્ડન્ટ વિજય કુમારની ટીમ ત્યાં પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન નેપાળી નાગરિકો લાકડીઓ અને પથ્થરો સાથે એકત્ર થઈ ગયા હતા અને એસએસબી જવાનો સાથે અભદ્ર વર્તન કરી ચોકી પર પરત ફરતી વેળાએ પથ્થરમારો કર્યો હતો.
વહીવટી તંત્ર દ્વારા સરહદ પર સતર્કતા અને તપાસ શરૂ
સહાયક કમાન્ડન્ટ અવધેશ કુમારની ફરિયાદના આધારે પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સરહદી વિસ્તારોમાં સુરક્ષા અને સતર્કતા અત્યંત વધારી દેવામાં આવી છે. બંને દેશોના સુરક્ષા અધિકારીઓ સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે, જ્યારે વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહીને શાંતિ જાળવવા ખાસ અપીલ કરવામાં આવી છે.
(8:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
