News of Thursday, 6th August 2026
ડોનાલ્ડ ટ્રમ્પ અને સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ વચ્ચે શસ્ત્રોની અછત મુદ્દે ઉગ્ર મતભેદ: વોશિંગ્ટન પોસ્ટે અજ્ઞાત અધિકારીઓને ટાંકીને દાવો કર્યો
ઈરાન યુદ્ધમાં પ્રથમ મહિનામાં ૮૫૦ ટોમહોક અને ૧,૦૦૦ ઇન્ટરસેપ્ટર ઈરાન તરફથી આવતી મિસાઇલોને આકાશમાં નષ્ટ કરવા માટે વપરાયા

વોશિંગટન: ઘટતા શસ્ત્ર ભંડાર વચ્ચે અમેરિકાએ પેટ્રિયટ અને થાડ મિસાઈલ માટેના ભાગોનું ઉત્પાદન વધારવા માટે ૩ અબજ ડોલરથી વધુનો કરાર કર્યો છે. નવી વ્યવસ્થા હેઠળ પેટ્રિયટનું ઉત્પાદન ત્રણ ગણું અને થાડનું ઉત્પાદન ચાર ગણું કરવાની યોજના છે. ટોમહોક મિસાઈલનું વાર્ષિક ઉત્પાદન હાલના લગભગ ૬૦થી વધારીને ભવિષ્યમાં ૧,૦૦૦ સુધી લઈ જવાનો લક્ષ્યાંક પણ નક્કી કરવામાં આવ્યો છે.
દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ વચ્ચે શસ્ત્રોની અછત મુદ્દે ઉગ્ર મતભેદ થયાનો વોશિંગ્ટન પોસ્ટે અજ્ઞાત અધિકારીઓને ટાંકીને દાવો કર્યો છે. પરંતુ વ્હાઇટ હાઉસે આ અહેવાલને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે અને પેન્ટાગોને પણ હેગસેથે ટ્રમ્પને ગેરમાર્ગે દોર્યા હોવાની વાતને નકારી છે. મિસાઇલોનો ભારે વપરાશ અને ભંડારમાં ઘટાડો વિશ્વસનીય અહેવાલોથી સમર્થિત છે, પરંતુ ટ્રમ્પ અને હેગસેથ વચ્ચેના ઝઘડાનો દાવો હજી વિવાદિત અને સત્તાવાર રીતે અપ્રમાણિત છે.
આ પહેલાના વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ ઈરાન સાથેના યુદ્ધના પ્રથમ મહિનામાં જ અમેરિકાએ ઈરાનના નિશાનો પર પ્રહાર કરવા માટે ૮૫૦થી વધુ ટોમાહોક ક્રૂઝ મિસાઇલો છોડીને પોતાના અત્યંત મહત્ત્વના શસ્ત્રભંડારનો મોટો હિસ્સો વાપરી નાખ્યો હતો. આ જ સમયગાળામાં અમેરિકી દળોએ ઈરાનની બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલોને રોકવા માટે પેટ્રિયટ અને થાડ પ્રકારની કુલ ૧,૦૦૦થી વધુ ઇન્ટરસેપ્ટર મિસાઇલોનો ઉપયોગ કર્યો હોવાનો અહેવાલ છે.
જોકે, સોશિયલ મીડિયા પોસ્ટમાં આપેલો ૮૫૦ ટોમાહોકનો આંકડો સમગ્ર યુદ્ધનો નહીં, પરંતુ શરૂઆતના પ્રથમ મહિનાનો છે. વોશિંગ્ટન સ્થિત સંરક્ષણ અભ્યાસ સંસ્થાના વિશ્લેષણ મુજબ ૩૯ દિવસની પ્રારંભિક લશ્કરી કાર્યવાહી પૂરી થતાં સુધીમાં વપરાયેલી ટોમહોક મિસાઇલોની સંખ્યા ૧,૦૦૦ને પાર થઈ ગઈ હોવાના અન્ય અહેવાલો પણ સામે આવ્યા હતા.
રોઇટર્સના અહેવાલ મુજબ ફેબ્રુઆરીથી જુલાઈ વચ્ચે અમેરિકાએ અંદાજે ૬૫ ટકા પેટ્રિયટ ઇન્ટરસેપ્ટર વાપરી નાખ્યા હતા, જ્યારે થાડ ઇન્ટરસેપ્ટરનો ઉપલબ્ધ જથ્થો યુદ્ધ શરૂ થયું ત્યારની સરખામણીએ ઓછામાં ઓછો ૩૮ ટકા ઘટ્યો હતો. અમેરિકાએ પોતાના વિશ્વવ્યાપી ટોમહોક ભંડારનો પણ લગભગ અડધો હિસ્સો વાપરી નાખ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, શસ્ત્રભંડાર સંબંધિત ચોક્કસ આંકડા ગુપ્ત હોવાથી આ તમામ સંખ્યાઓની સ્વતંત્ર રીતે સંપૂર્ણ પુષ્ટિ થઈ શકેલ નથી.
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
