News of Friday, 7th August 2026
રેલવેએ નિયમો કડક કરી ધૂમ્રપાન દંડમાં કર્યો ૨૦ ગણો વધારો
ટ્રેનમાં ધૂમ્રપાન હવે પડશે ભારે : ૧૬૭ની કલમ હેઠળ પહેલા ૧૦૦ રૂપિયા સુધીનો દંડ હતો, જે વધારીને હવે ૨,૦૦૦ રૂપિયા જેટલો કરવામાં આવ્યો

નાગપુર તા.૭: ટ્રેનોમાં ધૂમ્રપાન સહિત અન્ય ગુનાહિત ગતિવિધિઓ સાથે સબંધિત રેલવે એક્ટ ૧૯૮૯માં અમુક ફેરફાર કરતા હવે દંડ ૨૦ ગણો વધારવામાં આવ્યો છે. આ ફેરફાર કરવાનો ઉદ્દેશ રેલવે સ્ટેશનના પરિસર અને ટ્રેનોમાં ધૂમ્રપાન, અનધિકૃત પ્રવેશ, ઉપદ્રવ અને અન્ય અસુરક્ષિત ગતિવિધિઓ પર અસરકારક અંકુશ લાવવા અને તેનું તાત્કાલિક નિવારણ લાવવાનો છે.
સુધારેલી જોગવાઈ અનુસાર ૧૬૭ની કલમ હેઠળ પહેલા ૧૦૦ રૂપિયા સુધીનો દંડ હતો, જે વધારીને હવે ૨,૦૦૦ રૂપિયા જેટલો કરવામાં આવ્યો છે. આ સાથે જ સબંધિત વ્યક્તિનો પાસ કે ટિકિટ જપ્ત કરીને તેને રેલવે પરિસરથી બહાર કરવામાં આવશે. જો દંડ ભરવામાં નહીં આવે તો કોર્ટ ૫,૦૦૦ રૂપિયા સુધીનો દંડ ફટકારી શકે છે.
બીજી તરફ રેલવે પરિસરમાં દારૂ પી ને હંગામો મચાવનાર લોકો પર ૧૪૫ની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જે અંતર્ગત રેલવે પરિસરથી બહાર નીકળવા, ટિકિટ કે પાસ જપ્ત કરવા છ મહિના સુધી જેલ અને ૫૦૦ રૂપિયા સુધીના દંડની જોગવાઈ હતી. હવે બદલાતા નિયમ અનુસાર ૨૪ કલાક સુધી સામાન્ય જેલ, ૧,૦૦૦ રૂપિયા સુધી દંડ અને બંને સજાઓ અથવા સમુદાય સેવાની જોગવાઈ નક્કી કરવામાં આવી છે.
રેલવે પરિસરમાં સતત ઉપદ્રવ કરવા માટે ૬ મહિના સુધી જેલ કે ૫,૦૦૦ રૂપિયા સુધી દંડ ફટકારવામાં આવશે. મુસાફરી ક્ષેત્રમાં ગેરકાયદે પ્રવેશ કરી જગ્યા ખાલી કરવાથી મનાઈ ફરમાવવા પર કલમ ૧૪૭ હેઠળ ૫૦૦ રૂપિયા સુધીનો દંડ લાગશે. રેલવે પરિસરના દુરુપયોગ પર ૩ મહિના સુધી જેલ કે ૫,૦૦૦ રૂપિયા સુધીનો દંડ આપવામાં આવશે. સામાન્ય દંડ ૨,૦૦૦ રૂપિયા રહેશે અને કાર્યવાહી પહેલા ચેતવણી આપવામાં આવશે.
રેલવે કર્મચારીના કાર્યમાં અવરોધ બનતા કલમ ૧૪૬ અંતર્ગત ૩ મહિનાની કેદ કે ૨,૫૦૦ રૂપિયા સુધીનો દંડ કે બંને સજા આપવામાં આવશે. ગેરકાયદે વેન્ડરિગ પર કલમ ૧૪૪ અંતર્ગત પહેલા ૩ ઉલ્લંઘનો માટે દરેક વખતે ૨,૦૦૦ રૂપિયાનો દંડ અને દંડ ન ભરવા પર ૩ મહિના સુધી જેલ અને ૫,૦૦૦ રૂપિયાનો દંડ અથવા બંને સજાઓ કોર્ટ દ્વારા આપવામાં આવશે.
વારંવાર ગુનાના પુનરાવર્તન પર એક વર્ષ સુધી જેલ અને ૫,૦૦૦ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જો કે જનવિશ્વાસ અધિનિયમ ૨૦૨૩ અંતર્ગત ભીખ માંગવાને અપરાધની શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યું છે.
વાંધાજનક વસ્તુઓ ગેરકાયદે રીતે લાવવા પર કલમ ૧૬૫ હેઠળ ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ, સબંધિત વસ્તુ હટાવવાની કાર્યવાહી અને નુકશાનની ભરપાઈ કરવી પડશે. દંડ ન ભરવા પર કોર્ટ એક વર્ષ સુધી જેલ કે ૧૦,૦૦૦ રૂપિયા અથવા બંને સજાઓ ફટકારી શકે છે.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
