<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

સ્માર્ટ ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં ધડાકો: શાઓમી દ્વારા ભારતમાં ૧૨ વર્ષ પૂર્ણ થવાની સાથે જ પોતાની ગ્લોબલ હોમ એન્ડ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ 'મિજીયા'નું સત્તાવાર લોન્ચિંગ, હવે શાઓમી, રેડમી અને પોકો પછી ચોથી બ્રાન્ડ તરીકે સ્માર્ટ એપ્લાયન્સિસ ક્ષેત્રે જમાવશે વર્ચસ્વ

​વૈશ્વિક 'હ્યુમન x કાર x હોમ' વ્યૂહરચના અંતર્ગત હાઇપર-ઓએસ દ્વારા કનેક્ટેડ પ્રોડક્ટ્સ ઇકોસિસ્ટમ વધુ મજબૂત કરાશે; એર પ્યુરિફાયર અને સ્માર્ટ ડિવાઇસિસ બાદ હવે રેફ્રિજરેટર, એસી અને વોશિંગ મશીન જેવા મોટા ઉપકરણોના લોન્ચિંગ સાથે સ્થાનિક ઉત્પાદન પર અપાશે વિશેષ ભાર

​નવી દિલ્હી: ​ભારતના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને ટેકનોલોજી ક્ષેત્રે અગ્રેસર સ્થાન ધરાવતી કંપની શાઓમી (Xiaomi India) દ્વારા દેશમાં પોતાના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે એક મોટો વ્યાપારિક અને રણનીતિક નિર્ણય લેવામાં આવ્યો છે. સ્માર્ટફોન ક્ષેત્રે મેળવેલી અભૂતપૂર્વ સફળતા બાદ હવે કંપનીએ ભારતીય ઘરોમાં સ્માર્ટ લિવિંગ ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટે પોતાની ગ્લોબલ હોમ અને લાઇફસ્ટાઇલ સબ-બ્રાન્ડ 'મિજીયા બાય શાઓમી' (Mijia by Xiaomi) ને ભારતીય બજારમાં લોન્ચ કરવાની અધિકૃત જાહેરાત કરી છે.

​ચીની ભાષામાં 'મિજીયા'નો અર્થ 'મી હોમ' (Mi Home) થાય છે. આ બ્રાન્ડના આગમન સાથે જ ભારતમાં શાઓમીના બ્રાન્ડ પોર્ટફોલિયોમાં ફ્લેગશિપ શાઓમી (Xiaomi), રેડમી (REDMI) અને પોકો (POCO) બાદ 'મિજીયા' ચોથી મુખ્ય બ્રાન્ડ તરીકે જોડાશે. અત્યાર સુધી કંપની દ્વારા વેચવામાં આવતી તમામ ગૃહ ઉપયોગી પ્રોડક્ટ્સ અને સ્માર્ટ લાઇફસ્ટાઇલ ઉપકરણો હવે આ નવી 'મિજીયા બાય શાઓમી' બ્રાન્ડિંગ હેઠળ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

​'હ્યુમન x કાર x હોમ' વિઝન અને હાઇપર-ઓએસ કનેક્ટિવિટી

​કંપનીના જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૨૩માં ગ્લોબલ સ્તરે રજૂ કરવામાં આવેલી 'હ્યુમન x કાર x હોમ' (Human × Car × Home) સ્માર્ટ ઇકોસિસ્ટમ વ્યૂહરચના અંતર્ગત આ પગલું લેવામાં આવ્યું છે. ભારતમાં સ્માર્ટફોન, ટેબ્લેટ્સ અને સ્માર્ટ ટીવીના માધ્યમથી 'હ્યુમન' (વ્યક્તિગત ઉપકરણો) નો હિસ્સો મજબૂત કર્યા બાદ, હવે 'મિજીયા'ના માધ્યમથી 'હોમ' (ઘરગથ્થુ ઉપકરણો) ક્ષેત્રને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. આ તમામ ઉપકરણો શાઓમીના પોતાના 'હાઇપર-ઓએસ' (HyperOS) સોફ્ટવેર પ્લેટફોર્મ સાથે સીમલેસ રીતે કનેક્ટ થઈ શકશે.

​મોટા હોમ એપ્લાયન્સિસ અને સ્થાનિક ઉત્પાદન પર નજર

​કંપની પોતાના હાલના એર પ્યુરિફાયર જેવા સ્માર્ટ પ્રોડક્ટ્સના પોર્ટફોલિયોનો વિસ્તાર કરવાની સાથે સાથે ભારતમાં મોટા ઘરગથ્થુ ઉપકરણો (Large Home Appliances) ના માર્કેટમાં પણ પ્રવેશવા જઈ રહી છે. તે અંતર્ગત એર કંડિશનર, વોશિંગ મશીન અને રેફ્રિજરેટર જેવા ઉપકરણો રજૂ કરવાની યોજના છે. આ બિઝનેસને સ્થાનિક કક્ષાએ મજબૂત કરવા માટે કંપની ભારતીય ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસિસ (EMS) ભાગીદારો સાથે ટેકનોલોજી ટ્રાન્સફર અને સ્થાનિક મેન્યુફેક્ચરિંગ માટે વાટાઘાટો કરી રહી છે.

​આ ઉપરાંત, દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં વિસ્તાર યોજનાઓને વેગ આપવા માટે કંપનીએ અલેક્સ ટાંગને રીજનલ હેડ બનાવ્યા છે, જ્યારે ભારતને નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા દક્ષિણ એશિયાઈ દેશોના મુખ્ય મથક (Regional HQ) તરીકે સ્થાપિત કરવામાં આવી રહ્યું છે.

​કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસરનું સત્તાવાર બયાન

​આ મહત્વપૂર્ણ ઘટનાક્રમ અંગે વાત કરતા શાઓમી ઇન્ડિયાના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) સુધીન મથુરે જણાવ્યું હતું કે, "છેલ્લા ૧૨ વર્ષો દરમિયાન શાઓમીએ ભારતીય ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો સાથે સતત પરિવર્તન સ્વીકાર્યું છે અને સ્માર્ટફોનથી આગળ વધીને કન્ઝ્યુમર ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વાસ સંપાદિત કર્યો છે. 'મિજીયા બાય શાઓમી'નું આગમન એ અમારી વૈશ્વિક ઇકોસિસ્ટમને ભારતના ઘરો સુધી પહોંચાડવાનું એક મોટું માઇલસ્ટોન છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને વધુ ઇન્ટેલિજન્ટ, સરળ અને કનેક્ટેડ સ્માર્ટ લિવિંગનો અનુભવ આપવાનો છે."

(2:58 PM IST)