<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

ચીનનો મોટો ખેલ: લંડનથી ટનબંધ સોનું ખાલી કરીને હોંગકોંગમાં છુપાવી રહ્યું છે ડ્રેગન, બ્લૂમબર્ગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

સતત ૨૦ મહિનાથી સોનાની આંધળી ખરીદી બાદ હવે સંગ્રહ માટે હોંગકોંગને બનાવ્યું નવું સેફ હાઉસ: પશ્ચિમી દેશોના વર્ચસ્વ સામે વૈશ્વિક ગોલ્ડ ટ્રેડિંગ હબ કબજે કરવાની ચાઈનીઝ ચાલ

બીજિંગ: તા.૦૭: વિશ્વભરમાંથી સતત સોનાની ખરીદી કરી રહેલા ચીનને લઈને એક મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ચીનની સેન્ટ્રલ બેંક 'પીપલ્સ બેંક ઓફ ચાઇના' (PBOC) દર મહિને ટનબંધ સોનાની ખરીદી તો કરી રહી છે, પરંતુ તે આ વિશાળ સુવર્ણ ભંડારને ક્યાં સંગ્રહિત કરી રહી છે તે એક રહસ્ય બન્યું હતું. બ્લૂમબર્ગના તાજેતરના રિપોર્ટ અનુસાર, ચીન લંડનની બેંકોમાં રખાયેલું પોતાનું સોનું પાછું ખેંચીને ઝડપથી હોંગકોંગ ખાતેના પોતાના ગુપ્ત ભંડારમાં સ્થાનાંતરિત કરી રહ્યું છે.

 

સામાન્ય રીતે વિશ્વની મોટાભાગની સેન્ટ્રલ બેંકો પોતાના સોનાનો મોટો હિસ્સો લંડનના લિક્વિડિટી માર્કેટમાં સંગ્રહિત રાખતી હોય છે. જોકે, બદલાતા વૈશ્વિક રાજકીય સમીકરણો અને સુરક્ષાના કારણોસર અગાઉ ભારત અને સર્બિયા જેવા દેશોએ પણ લંડનથી પોતાનું સોનું પાછું મંગાવ્યું હતું. હવે ચીને પણ લંડનથી અબજો ડોલરનું સોનું હોંગકોંગ ખસેડવાની પ્રક્રિયા અત્યંત ઝડપી બનાવી દીધી છે. પીબીઓસી છેલ્લા ૨૦ મહિનાથી સતત સોનું ખરીદી રહ્યું છે અને જૂન મહિનામાં તેણે ઓક્ટોબર ૨૦૨૩ પછીનો સૌથી મોટો ખરીદીનો રેકોર્ડ બનાવ્યો હતો.

 

આ પગલાં પાછળ ચીનની એક બહુ મોટી આર્થિક અને રાજકીય વ્યૂહરચના કામ કરી રહી છે. ચીન હોંગકોંગને લંડન અને ન્યૂયોર્કની સરખામણીએ વિશ્વનું સૌથી મોટું ગોલ્ડ ટ્રેડિંગ અને પ્રાદેશિક ક્લિયરિંગ હબ બનાવવા માંગે છે. જુલાઈમાં શરૂ કરાયેલી નવી ગોલ્ડ ક્લિયરિંગ સિસ્ટમ દ્વારા ચીન સિંગાપોર અને પશ્ચિમી બજારોના એકચક્રી શાસનને સીધો પડકાર આપી રહ્યું છે, જેથી ભવિષ્યમાં વૈશ્વિક સ્તરે સોનાના ભાવ નક્કી કરવામાં હોંગકોંગની મધ્યસ્થ ભૂમિકા રહે.

 

પીબીઓસીના ગવર્નર પાન ગોંગશેંગે સ્પષ્ટ કર્યું છે કે ચીન હોંગકોંગમાં પોતાના ફોરેક્સ રિઝર્વની ફાળવણી સતત વધારશે. એટલું જ નહીં, ચીનના 'બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ' (BRI) સાથે જોડાયેલા મિત્ર દેશોની સેન્ટ્રલ બેંકોને પણ પોતાનું સોનું હોંગકોંગના આ ક્લિયરિંગ સેન્ટરમાં રાખવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. કંબોડિયા જેવા દેશોએ તો અત્યારથી જ પોતાનો સુવર્ણ ભંડાર ચીનના સંગ્રહાગારમાં રાખવાનું શરૂ પણ કરી દીધું છે.

 

(4:09 PM IST)