<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલન આક્રમક બન્યું: અભિજીત દીપક બાદ હવે વિદ્યાર્થી નેતા નેહા બોરા પર શાહી ફેંકાતા વિરોધ પ્રદર્શનમાં સનસનાટી, આરોપી યુવકની જાહેરમાં ધલાઈ

AISA અને AISF ની વિધાનસભા કૂચ દરમિયાન બિરસા ચોક પાસે હંગામો: 'દેશદ્રોહી' કહી શાહી ફેંકનાર યુવકને ટોળાએ ઘેરીને ફટકાર્યો, ભાજપ-આરએસએસ પર પ્રહારો વચ્ચે 14મા દિવસે પણ આંદોલન જારી

રાંચી: તા.07: ઝારખંડમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓ અને પેપર લીક વિરુદ્ધ ચાલતું વિદ્યાર્થી આંદોલન હવે અત્યંત ઉગ્ર અને હિંસક વળાંક લઈ રહ્યું છે. અભિજીત દીપકની ઘટના બાદ હવે ડાબેરી વિદ્યાર્થી સંગઠન 'આઈસા' (AISA) ની રાષ્ટ્રીય પ્રમુખ નેહા બોરા પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન એક યુવકે જાહેરમાં શાહી ફેંકી દેતાં સનસનાટી મચી ગઈ છે. રાજધાની રાંચીના બિરસા ચોક પાસે બની આ ઘટના ત્યારે ઘટી જ્યારે AISA અને AISF ના નેતૃત્વમાં સેંકડો વિદ્યાર્થીઓ વિધાનસભા તરફ શાંતિપૂર્ણ કૂચ કરી રહ્યા હતા.

 

શાહી ફેંકવાની આ ઘટના બાદ સ્થળ પર હાજર ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ આરોપી યુવકને સ્થળ પર જ ઘેરી લીધો હતો અને તેની ભારે ધલાઈ કરી નાખી હતી. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે યુવકની અટકાયત કરીને તેને કસ્ટડીમાં લીધો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી યુવકે દાવો કર્યો હતો કે નેહા બોરા રાષ્ટ્રવિરોધી તત્વો અને ઉમર ખાલિદની સમર્થક હોવાને કારણે તેણે આ પગલું ભર્યું હતું. બીજી તરફ, શાહી હુમલા બાદ વિરોધ ચાલુ રાખતા નેહા બોરાએ આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, "અમારા પર લાઠીઓ, ટીયર ગેસ અને પેલેટ ગનથી હુમલા થયા છે, ત્યારે આ સામાન્ય શાહીથી અમને કોઈ ડરાવી શકશે નહીં. ભાજપ અને આરએસએસના ગુંડાઓ વિદ્યાર્થીઓના હિતેચ્છુ હોવાનો ઢોંગ કરીને આંદોલનને કચડવાનો પ્રયાસ કરી રહ્યા છે."

 

દરમિયાન, ઝારખંડમાં JPSC, JSSC અને CGL પરીક્ષાઓ રદ કરીને સીબીઆઈ (CBI) તપાસની માંગ સાથે ચાલી રહેલું આ આંદોલન શુક્રવારે ૧૪મા દિવસમાં પ્રવેશ્યું છે. દેવેન્દ્રનાથ મહતો સહિત છ વિદ્યાર્થી નેતાઓ આમરણ અન્ન જળ ત્યાગીને ભૂખ હડતાળ પર બેઠા છે, જેમાંથી એક દેખાવકારની તબિયત લથડતાં હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોઈને વહીવટી તંત્ર વતી એડીએમ ધનંજય કુમારે વિદ્યાર્થી નેતાઓ સાથે મધ્યસ્થી વાટાઘાટો શરૂ કરી છે. સરકારે શરત મૂકી છે કે વાટાઘાટો માટે માત્ર વાસ્તવિક વિદ્યાર્થીઓનું જ પ્રતિનિધિમંડળ આવવું જોઈએ, જેના પર આંદોલનકારીઓ પણ સંમત થયા છે.

 

(4:11 PM IST)