<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા જયંત ચૌધરીને ભારે આંચકો: RLD ના પ્રદેશ અધ્યક્ષ રામાશીષ રાયે પક્ષમાંથી આપ્યું રાજીનામું, સમાજવાદી પાર્ટીમાં જોડાવાની અટકળો

પાર્ટીની નીતિઓ અને લોકશાહી મૂલ્યોના ધોવાણ અંગે રાજીનામા પત્રમાં આકરા પ્રહારો: જેપી ક્રાંતિ અને અટલજીના વિચારોનો ઉલ્લેખ કરી 'દેશ પક્ષ કરતાં મોટો છે' કહી RLD નું પ્રાથમિક સભ્યપદ છોડ્યું

લખનૌ: તા.૦૭: ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધી ગયો છે. રાષ્ટ્રીય લોક દળ (RLD) ના અધ્યક્ષ જયંત ચૌધરીને મોટો રાજકીય આંચકો આપતા પાર્ટીના યુપી પ્રદેશ અધ્યક્ષ અને ભૂતપૂર્વ એમએલસી ડૉ. રામાશીષ રાયે પોતાના પદ અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપતાં જ રાયના આગામી રાજકીય પગલાં અંગે અટકળો તેજ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ ટૂંક સમયમાં જ સમાજવાદી પાર્ટી (SP) માં જોડાય તેવી શક્યતા છે અને દેવરિયા અથવા અન્ય બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે, જ્યારે તેમના કોંગ્રેસમાં જવાની શક્યતાઓ પણ ચર્ચાઈ રહી છે.

 

જયંત ચૌધરીને મોકલેલા પોતાના આકરા રાજીનામા પત્રમાં રામાશીષ રાયે પક્ષની હાલની નીતિઓ પર પરોક્ષ પ્રહારો કર્યા હતા. તેમણે લખ્યું હતું કે તેઓ લોકનાયક જયપ્રકાશ નારાયણના 'સંપૂર્ણ ક્રાંતિ' આંદોલનથી પ્રેરિત થઈને રાજકારણમાં આવ્યા હતા, પરંતુ આજે દેશમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી અને લોકશાહી સંસ્થાઓના ધવાણનું ચિત્ર વધુ ગંભીર બન્યું છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે ભારતીય લોકશાહી પર પૈસા અને પ્રભાવશાળી વર્ગનો કબ્જો વધી રહ્યો છે તથા જાતિ અને સમુદાયના આધારે સમાજને વિભાજિત કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોને પાકના યોગ્ય ભાવ નથી મળી રહ્યા અને યુવાનો ભવિષ્યને લઈને ઘોર અનિશ્ચિતતામાં જીવી રહ્યા છે.

 

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના વિઝનને ટાંકીને રામાશીષ રાયે ઉમેર્યું હતું કે અટલજીએ રાજકારણમાં નાણાં બળના વધતા પ્રભાવ સામે જે ચેતવણી આપી હતી, તે ભય આજે સાચો સાબિત થઈ રહ્યો છે. રાજકારણમાં વૈચારિક પ્રતિબદ્ધતાનું સ્થાન આર્થિક સત્તા અને સગાવાદે લઈ લીધું છે, જે લોકશાહી મૂલ્યોને સતત નબળા પાડી રહ્યું છે. તેમણે ભારપૂર્વક લખ્યું હતું કે, "વ્યક્તિ કરતાં પક્ષ મોટો છે અને દેશ પક્ષ કરતાં પણ મોટો છે." આ જ વૈચારિક અને નૈતિક કારણોસર તેઓ આરએલડીમાંથી છેડો ફાડી રહ્યા છે.

 

નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ જયંત ચૌધરીએ અનુપમ મિશ્રાને RLD ના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા, ત્યારથી જ રામાશીષ રાય નારાજ ચાલી રહ્યા હતા. રામાશીષ રાય અગાઉ ભારતીય યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેમના આ નિર્ણયથી પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પૂર્વાંચલના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.

 

(4:27 PM IST)