<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

જંતર-મંતર વિરોધ પ્રદર્શનમાં ISI કનેક્શનના વિવાદ બાદ મોટો ભડાકો: અમૃતસરના પોલીસ કમિશનર ગુરપ્રીત ભુલ્લરની તાત્કાલિક બદલી, હરમનબીર ગિલને વધારાનો હવાલો

એડિટેડ વીડિયો વાયરલ થતાં સર્જાયેલા વિવાદ બાદ પંજાબ સરકારની આકરી કાર્યવાહી: ભુલ્લરને DGP ઓફિસમાં રિપોર્ટ કરવા આદેશ

ચંદીગઢ : પંજાબ સરકારે એક મોટો વહીવટી નિર્ણય લેતાં અમૃતસરના પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરને તાત્કાલિક અસરથી તેમના પદ પરથી હટાવી દીધા છે. તેમના સ્થાને ડીઆઈજી (બોર્ડર રેન્જ) હરમનબીર સિંહ ગિલને અમૃતસર પોલીસ કમિશનરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. પંજાબ સરકાર દ્વારા જારી કરાયેલા સત્તાવાર આદેશ મુજબ ગુરપ્રીત સિંહ ભુલ્લરને હાલ પંજાબ પોલીસ હેડક્વાર્ટર (DGP ઓફિસ) ખાતે રિપોર્ટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

 

આ અચાનક લેવાયેલો વહીવટી નિર્ણય તાજેતરમાં પોલીસ કમિશનરના એક કથિત નિવેદન બાદ ઊભા થયેલા ભારે રાજકીય વિવાદ પછી સામે આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર એક વીડિયો ક્લિપ શેર કરીને દાવો કરવામાં આવ્યો હતો કે દિલ્હીના જંતર-મંતર પર "કોકરોચ જનતા પાર્ટી" (CJP) ના પ્રદર્શનને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના નેટવર્ક દ્વારા ફંડિંગ અને સમર્થન મળી રહ્યું હોવાનો ખુલાસો અમૃતસર પોલીસે કર્યો છે.

 

આ દાવા બાદ ભારે વિવાદ ઊભો થતાં અમૃતસર પોલીસે તાત્કાલિક સ્પષ્ટતા જારી કરી હતી. પોલીસે આ દાવાને સ્પષ્ટપણે ફગાવી દેતાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વીડિયો ક્લિપને એડિટ કરીને સંદર્ભ બહાર રજૂ કરવામાં આવી હતી. પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરે તેમની પ્રેસ કોન્ફરન્સમાં એવું કોઈ નિવેદન આપ્યું નહોતું કે પકડાયેલા આરોપીઓ જંતર-મંતરના વિરોધ પ્રદર્શનનો ભાગ હતા.

 

પોલીસે વધુમાં વિગત આપતાં જણાવ્યું હતું કે પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય વિષય તાજેતરમાં પકડાયેલા આતંકવાદી મોડ્યુલનો ખુલાસો કરવાનો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓએ જંતર-મંતર વિસ્તારની માત્ર રેકી (નિરીક્ષણ) કરી હતી, પરંતુ તેનો અર્થ એવો બિલકુલ નથી કે તેઓ ત્યાં થઈ રહેલા પ્રદર્શનમાં સામેલ હતા. ભલે સરકારે બદલીનું કોઈ સત્તાવાર કારણ આપ્યું નથી, પરંતુ આ રાજકીય વિવાદ બાદ જ કમિશનર પર ગાજ પડી હોવાનું માનવામાં આવે છે.

(6:10 PM IST)