પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનામાં ઉત્તર પ્રદેશનો નવો વિક્રમ: લક્ષ્યાંક વટાવી ૧૦૨.૧૩% નોંધણી સાથે સમગ્ર દેશમાં મેદાન માર્યું
આંગણવાડી કાર્યકરો, આશા બહેનો અને ડિજિટલ મોનિટરિંગથી મળ્યું મોટું પરિણામ: DBT દ્વારા કરોડો રૂપિયાની આર્થિક સહાય સીધી સગર્ભા મહિલાઓના ખાતામાં જમા

લખનૌ : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ રાજ્યએ ‘પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના’ (PMMVY) ના અસરકારક અમલીકરણમાં વધુ એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માં ૩૧ જુલાઈ સુધીમાં નિર્ધારિત લક્ષ્યાંકના ૧૦૨.૧૩ ટકા નોંધણી હાંસલ કરીને ઉત્તર પ્રદેશ દેશમાં સૌથી મોખરાનું રાજ્ય બન્યું છે. યોગી સરકારે ૩,૯૭,૫૬૭ ગર્ભવતી અને ધાત્રી મહિલાઓની નોંધણીનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેની સામે વિભાગીય અધિકારીઓ, આંગણવાડી કાર્યકરો અને આશા બહેનોના સંયુક્ત પ્રયાસોથી ૪,૦૬,૦૫૮ મહિલાઓની સફળ નોંધણી કરવામાં આવી છે.
રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગની મિશન-મોડ કાર્યશૈલી, મજબૂત આંગણવાડી નેટવર્ક અને પારદર્શક ઓનલાઈન મોનિટરિંગ સીસ્ટમના કારણે આ યોજનાનો લાભ છેવાડાની મહિલાઓ સુધી ઝડપથી પહોંચી રહ્યો છે. નિયમિત સમીક્ષા બેઠકો અને ગામ-ગામ સુધી વિશેષ નોંધણી ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશના કારણે જ તમામ જિલ્લાઓમાં લક્ષ્યાંક કરતા પણ વધુ નોંધણી નોંધાઈ છે, જે માતૃ અને શિશુ સ્વાસ્થ્ય સુધારવાની દિશામાં એક ઉત્તમ પગલું સાબિત થઈ રહ્યું છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માં અત્યાર સુધીમાં ૨,૬૧,૩૬૯ હપ્તાઓ દ્વારા ₹૮૬ કરોડ ૫૫ લાખ ૬૨ હજારથી વધુની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) ના માધ્યમથી સીધી જ લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. આ યોજના હેઠળ પ્રથમ બાળકના જન્મ પર બે તબક્કામાં ₹૫,૦૦૦ અને જો બીજી સંતાન બાલિકા (કન્યા) હોય તો ₹૬,૦૦૦ ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, જે ગર્ભવતી અને ધાત્રી માતાઓની પોષણ સંબંધિત જરૂરિયાતો માટે અત્યંત મદદરૂપ સાબિત થઈ રહી છે.
યોજનાને વધુ પારદર્શક અને જવાબદેહ બનાવવા માટે સમગ્ર પ્રક્રિયાને ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર લઈ જવામાં આવી છે. અરજીની ચકાસણી, મંજૂરી અને નાણાકીય ચુકવણી ડિજિટલ માધ્યમથી જ થાય છે. તેમજ સિસ્ટમમાં વધુ શુચિતા લાવવા માટે ફેસ રેકગ્નિશન આધારિત ડિજિટલ મોનિટરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી દરેક પાત્ર મહિલા સુધી યોગ્ય સમયે જ સરકારી સહાય પહોંચી શકે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
