<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

ઓનલાઈન શોપિંગ અને બુકિંગમાં ભ્રામક ‘ડાર્ક પેટર્ન’ વાપરવા બદલ મોટી કાર્યવાહી: CCPA એ ઈન્ડિગો, ઝેપ્ટો અને ફિઝિક્સ વાલ્લાહ સહિત ૯ કંપનીઓને ફટકાર્યો દંડ

ગ્રાહકોને ગેરમાર્ગે દોરી વધારાના પૈસા પડાવતી એપ્સ સામે કેન્દ્ર સરકાર લાલઘૂમ: હાઈડન ચાર્જીસ, બાસ્કેટ સ્નીકિંગ અને સબ્સ્ક્રિપ્શન ટ્રેપ જેવી યુક્તિઓ સામે રૂ. ૨૦ લાખનો દંડ વસૂલાયો

નવી દિલ્હી : ઈ-કોમર્સ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ગ્રાહકોને અંધારામાં રાખીને અણધાર્યા ખર્ચ કરાવતી ચતુર અને ભ્રામક ડિજિટલ યુક્તિઓ (ડાર્ક પેટર્ન) સામે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા પ્રાધિકરણ (CCPA) એ લાલઆંખ કરી છે. ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા રાજ્યસભામાં આપવામાં આવેલી માહિતી મુજબ, CCPA એ IndiGo, Zepto, Physics Wallah, BookMyShow, FirstCry અને SpiceJet સહિત દેશની નવ જાણીતી ડિજિટલ કંપનીઓ પર દંડ ફટકારીને કડક આદેશો જાહેર કર્યા છે.

 

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ એપ્સ અને વેબસાઈટ્સ ખરીદી કે બુકિંગ વખતે ‘ડ્રિપ પ્રાઈસિંગ’ (છૂપા ચાર્જીસ ઉમેરવા), ‘બાસ્કેટ સ્નીકિંગ’ (બિલમાં આપોઆપ વધારાની વસ્તુ કે ફી ઉમેરી દેવી) અને ‘કન્ફર્મ શેમિંગ’ (ભાવનાત્મક રીતે મજબૂર કરવા) જેવી અનૈતિક પદ્ધતિઓનો ઉપયોગ કરતી હતી. આનાથી ગ્રાહકો પોતાની ઈચ્છા વગર પણ વધારાના નાણાં ચૂકવવા મજબૂર બનતા હતા. નિયમનકારે આવી ગેરરીતિઓ આચરતી કંપનીઓ પાસેથી અત્યાર સુધીમાં આશરે ₹૨૦ લાખનો દંડ વસૂલ કર્યો છે.

 

આ કાર્યવાહીમાં ક્વિક-કોમર્સ એપ ઝેપ્ટો (Zepto) પર સૌથી વધુ ₹૭ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, જે ચેકઆઉટ વખતે અચાનક હેન્ડલિંગ ચાર્જ અને મેમ્બરશિપ ફી ઉમેરી દેતી હતી. એડટેક કંપની ફિઝિક્સ વાલ્લાહ (Physics Wallah) ને પણ ₹૫ લાખનો દંડ થયો છે, જે મફત અભ્યાસક્રમો આપતા પહેલાં ગ્રાહકોની અંગત વિગતો માંગતી હતી અને દાનના નામે ભાવનાત્મક મેસેજ બતાવતી હતી. આ સિવાય બાળકોની પ્રોડક્ટ્સ વેચતી FirstCry ને ₹૨ લાખ, કોચિંગ પ્લેટફોર્મ અનુજ જિંદાલને ₹૩ લાખ તથા PharmaEasy, McAfee અને SpiceJet ને ₹૧-૧ લાખનો દંડ કરવામાં આવ્યો છે.

 

આ સિવાય એરલાઈન કંપની ઈન્ડિગો (IndiGo) પોતાની એપ પર ટિકિટ બુકિંગ વખતે ગ્રાહકોને ડરાવવા "ના, હું જોખમ લઈશ" જેવા ભ્રામક શબ્દો વાપરતી હતી, જેમાં CCPA ના આદેશ બાદ ફેરફાર કરીને તટસ્થ વાક્ય મૂકવામાં આવ્યું છે. જ્યારે BookMyShow ને ટિકિટ દીઠ ₹૧ નું દાન આપોઆપ ઉમેરી દેવાની પ્રથા તાત્કાલિક બંધ કરવા આદેશ અપાયો છે. સરકારની આ કડક કાર્યવાહી બાદ મોટાભાગની કંપનીઓએ દંડ ભરીને પોતાની એપ્સમાંથી આવી ડાર્ક પેટર્ન્સ દૂર કરી દીધી છે.

 

(7:22 PM IST)