News of Friday, 7th August 2026
મહારાષ્ટ્ર FDA ના AI કમ્પ્લેઇન્ટ પોર્ટલનો અદભુત પ્રારંભ: માત્ર બે જ અઠવાડિયામાં ૧,૬૦૦ થી વધુ ફરિયાદો નોંધાઈ, મિલાવટખોરો અને ગેરકાયદે વેપારીઓ સામે ત્વરિત કાર્યવાહી શરૂ
વોઈસ મેસેજ દ્વારા મરાઠી, હિન્દી અને અંગ્રેજીમાં ફરિયાદ કરવાની સુવિધાથી નાગરિકોનો બહોળો પ્રતિસાદ: નિર્ધારિત સમયમર્યાદામાં નિકાલ ન થાય તો સિસ્ટમ આપમેળે વરિષ્ઠ અધિકારીઓને કરશે રિપોર્ટ

મુંબઈ : મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા શરૂ કરવામાં આવેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત કમ્પ્લેઇન્ટ પોર્ટલને નાગરિકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. લોન્ચ થયાના માત્ર ૧૫ જ દિવસમાં આ પોર્ટલ પર ૧,૬૦૦ થી વધુ ગંભીર ફરિયાદો નોંધાઈ છે. જાહેર જનતા તરફથી મળી રહેલા આ ઉત્સાહજનક પ્રતિસાદને પગલે એફડીએ એ રાજ્યભરમાં અખાદ્ય ખોરાક, નકલી દવાઓ અને તમાકુ સંબંધિત ઉલ્લંઘનો સામે કડક તપાસ પ્રક્રિયા અને દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.
આ આધુનિક પોર્ટલની સૌથી મોટી વિશેષતા એ છે કે તે અત્યંત સરળ અને નાગરિક-કેન્દ્રિત છે. કોઈપણ વ્યક્તિ ટાઈપ કર્યા વગર માત્ર મરાઠી, હિન્દી કે અંગ્રેજીમાં વોઈસ મેસેજ રેકોર્ડ કરીને અથવા ટેક્સ્ટ મેસેજ મોકલીને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. સિસ્ટમમાં આવેલી ફરિયાદોમાં પ્રતિબંધિત ગુટખા અને સ્વાદવાળી તમાકુનું ગેરકાયદે વેચાણ, હોટલ-રેસ્ટોરન્ટમાં અસ્વચ્છતા, સ્ટ્રીટ ફૂડમાં ભેળસેળ, એક્સપાયરી ડેટ વટી ગયેલી વસ્તુઓનું વેચાણ તેમજ નકલી દવાઓ અને કોસ્મેટિક્સ સંબંધિત ગંભીર મુદ્દાઓનો સમાવેશ થાય છે.
ગ્રાહક સુરક્ષાને વધુ ઝડપી અને પારદર્શક બનાવવા માટે આ AI પ્લેટફોર્મમાં ઓટોમેટિક વર્ગીકરણ, ડિજિટલ એલોકેશન અને એન્ડ-ટુ-એન્ડ ટ્રેકિંગ જેવા ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે. સિસ્ટમ ફરિયાદ મેળવતા જ આપમેળે તેનું પૃથ્થકરણ કરી સંબંધિત ફિલ્ડ ઓફિસરને મોકલે છે. જો નિશ્ચિત સમય મર્યાદામાં અધિકારી ફરિયાદનો ઉકેલ ન લાવે, તો 'ઓટો-એસ્કેલેશન' સુવિધા દ્વારા મેસેજ આપોઆપ વરિષ્ઠ અધિકારીઓ સુધી પહોંચી જાય છે. અરજદાર પણ પોતાની ફરિયાદનું સ્ટેટસ રીઅલ-ટાઈમમાં ટ્રેક કરી શકે છે, જેનાથી તંત્રમાં જવાબદેહી વધી છે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
