<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

મહારાષ્ટ્ર FDA નો રક્ત કેન્દ્રો સામે ઐતિહાસિક અને આકરો નિર્ણય: રાજ્યવ્યાપી પાલન માટે જારી કર્યો પ્રથમ કડક આદેશ, નિયમોના ઉલ્લંઘન પર સખત કાર્યવાહીની ચેતવણી

દર્દીઓની સુરક્ષા અને ગુણવત્તાયુક્ત રક્ત સુનિશ્ચિત કરવા મહારાષ્ટ્ર એફડીએનો મોટો નિર્ણય: તમામ ૪૧૦ બ્લડ બેંકો માટે ઇ-રક્તકોશ પોર્ટલ પર દૈનિક સ્ટોક અપડેટ અને ફરજિયાત તપાસના નિયમો લાગુ

મુંબઈ : દર્દીઓની સુરક્ષા અને રક્ત બેંકિંગ સેવાઓમાં પારદર્શિતા લાવવાના ઉદ્દેશ્ય સાથે મહારાષ્ટ્ર ફ્રૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ એક અભૂતપૂર્વ અને કડક આદેશ જારી કર્યો છે. રાજ્યભરમાં કાર્યરત તમામ લાયસન્સ પ્રાપ્ત રક્ત કેન્દ્રો અને રક્ત સંગ્રહ કેન્દ્રો માટે આ પ્રથમ રાજ્યવ્યાપી વ્યાપક પાલન આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ હેઠળ રક્ત સંગ્રહ, રોગ પરીક્ષણ, સ્ટોરેજ અને વિતરણ માટે એકસમાન ધોરણો નિર્ધારિત કરવામાં આવ્યા છે અને કાયદાકીય નિયમોનો અનાદર કરતી સંસ્થાઓ સામે સખત કાનૂની કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.

 

તાજેતરમાં એફડીએ દ્વારા કરવામાં આવેલા નિરીક્ષણ દરમિયાન ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ રૂલ્સ, ૧૯૪૫ હેઠળની જોગવાઈઓનું ગંભીર ઉલ્લંઘન જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે જૂન ૨૦૨૬ ના અંતિમ સપ્તાહમાં મુંબઈના સર જે.જે. મેટ્રોપોલિટન બ્લડ સેન્ટર અને થાણેના માયા બ્લડ સેન્ટર સામે ગંભીર અનિયમિતતાઓને કારણે કામગીરી સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો હતો. માનવ રક્તને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, ૧૯૪૦ હેઠળ "દવા" તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હોવાથી તેની ગુણવત્તા અને સલામતી જાળવવી કાયદાકીય રીતે ફરજિયાત છે.

 

નવા માર્ગદર્શિકા મુજબ, દરેક રક્ત એકમ માટે એચઆઈવી (HIV), હેપેટાઇટિસ B, હેપેટાઇટિસ C, સિફિલિસ અને મેલેરિયા જેવી બીમારીઓની ફરજિયાત તપાસ, કોલ્ડ ચેઈન જાળવણી, સુસજ્જ ટેકનિકલ સ્ટાફની નિમણૂક અને બાયોમેડિકલ કચરાનું યોગ્ય નિવારણ અનિવાર્ય બનાવાયું છે. મહારાષ્ટ્રના તમામ ૪૧૦ રક્ત કેન્દ્રોને રોજિંદા ધોરણે 'ઇ-રક્તકોશ' (e-RaktKosh) પોર્ટલ પર રક્તના જથ્થાની વિગતો અપડેટ કરવા સૂચના આપવામાં આવી છે. FDA કમિશનર તુકારામ મુંધેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દરેક દર્દીને સુરક્ષિત અને ગુણવત્તાસભર રક્ત મેળવવાનો મૂળભૂત અધિકાર છે, અને આ ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.

(8:44 PM IST)