News of Friday, 7th August 2026
ઉદયપુર ખાતે ક્રેડાઈ ગુજરાત દ્વારા AGM અને ‘Youth Con 2026’નું આયોજન:નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો
આશરે 250થી વધુ યુવા ડેવલપર્સ જોડાયા:કાર્યક્રમમાં રાષ્ટ્રીય-રાજ્ય સ્તરના હોદ્દેદારો હાજર રહ્યા:‘વિકસિત ભારત 2047’ માટે યુવાનોને યોગદાન આપવા આહ્વાન કરાયું,

ગુજરાતના બાંધકામ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને વધુ આધુનિક, સુનિયોજિત અને વિકાસલક્ષી દિશામાં આગળ ધપાવવાના ઉદ્દેશ્ય સાથે ક્રેડાઈ ગુજરાત દ્વારા ઉદયપુર ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હોટેલ આઈટીસી મોમેન્ટોઝ ખાતે 5 અને 6 ઓગસ્ટ, 2026 દરમિયાન ‘યુથકોન-2026’ તથા ક્રેડાઈ ગુજરાતની વાર્ષિક સામાન્ય સભા (AGM) યોજાઈ હતી. કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી આશરે 250 થી વધુ યુવા બિલ્ડર્સ, નવયુવાન ડેવલપર્સ અને રિયલ એસ્ટેટ ઉદ્યોગ સાથે જોડાયેલા પ્રતિનિધિઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
‘યુથકોન-2026’નો શુભારંભ માનનીય શ્રીજી હુઝૂર ડૉ. લક્ષ્યરાજસિંહજી મેવાડના હસ્તે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ક્રેડાઈ નેશનલ અને ક્રેડાઈ ગુજરાતના અગ્રણી હોદ્દેદારો હાજર રહ્યા હતા. તેમાં શેખરભાઈ પટેલ, આશિષભાઈ પટેલ, અજયભાઈ પટેલ, પરેશભાઈ ગજેરા, તેજસભાઈ જોશી, વિરલભાઈ શાહ તથા ભવદત્તભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાત સ્પીકર્સ અને યુવા ઉદ્યોગસાહસિકોએ પણ પોતાના અનુભવો અને વિચારો રજૂ કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સ્પીકર્સે નવી પેઢીના ડેવલપર્સને માત્ર વ્યાપારિક સફળતા સુધી સીમિત ન રહેતાં દેશના આર્થિક અને ભૌતિક વિકાસમાં સક્રિય યોગદાન આપવા પ્રેરણા આપી હતી. વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે ઈનોવેશન, સસ્ટેનેબિલિટી અને સુવ્યવસ્થિત શહેરી વિકાસને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.
આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ક્રેડાઈ ગુજરાતના ચેરમેન પરેશ ગજેરાને પત્ર પાઠવી કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. પોતાના સંદેશમાં તેમણે જણાવ્યું કે ગુજરાત આજે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી વિકાસ અને આધુનિક બાંધકામ ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય બની રહ્યું છે અને તેમાં ક્રેડાઈ ગુજરાત તથા યુવા ડેવલપર્સનું યોગદાન મહત્વપૂર્ણ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ટેકનોલોજીના આ યુગમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ઈનોવેશન, સસ્ટેનેબિલિટી અને ગુડ ગવર્નન્સ અપનાવવું સમયની માગ છે. ‘યુથકોન-2026’ જેવા મંચો યુવા બિલ્ડર્સને પરસ્પર વિચાર-વિમર્શ, નવી ટેકનોલોજી અંગે માહિતી અને રાજ્યના વિકાસ માટે નવી દિશા અને પ્રેરણા પૂરી પાડશે.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
