News of Saturday, 8th August 2026
છત્તીસગઢ પોલીસ પરીક્ષામાં ન્યૂઝઃ‘હે રામ', ‘સ્પેસ રાની' સફળ ઉમેદવાર જાહેર થયાં !
કોંગ્રેસે ગેરરીતિ થઇ હોવાનો આક્ષેપ કર્યોઃ અનોખા નામ ધરાવતા ઉમેદવારો એ ખરાઈ કરી

રાયપુર,તા.૮: છત્તીસગઢની તાજેતરની પોલીસ ભરતી પરીક્ષાના પરિણામોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. લાયક ઉમેદવારોની યાદીમાં 'ન્યૂઝ', 'સ્પેસ રાની', 'હે રામ' અને 'ટુકૈલ' જેવા અસામાન્ય નામો જોવા મળતાં વિપક્ષી કોંગ્રેસે ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો કર્યા છે. જોકે, આ ઉમેદવારો પોતે આગળ આવીને તેમના અનોખા નામોનો બચાવ કર્યો છે. અનોખા નામ ધરાવતા ઉમેદવારોએ દાવો કર્યો હતો કે, પરીક્ષા ફોર્મથી માંડીને તમામ દસ્તાવેજોમાં તેમણે અટક વગરના નામ રાખેલા છે. કોંગ્રેસે સૂબેદાર, સબ-ઇન્સ્પેક્ટર અને પ્લાટૂન કમાન્ડરની પ્રાથમિક ભરતી પરીક્ષાની પ્રક્રિયામાં ગેરરીતિ હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, છત્તીસગઢ જાહેર સેવા આયોગે આ દાવાને નકારી કાઢતાં જણાવ્યું કે ઉમેદવારોએ નોંધણી દરમિયાન આપેલી વિગતો મુજબ જ તેમના નામ નોંધાયેલા છે. આયોગે વધુમાં સ્પષ્ટ કર્યું કે આ ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી, શારીરિક કસોટી અને પ્રાથમિક પરીક્ષા પણ આ જ નામોથી આપી હતી, અને તેમના પ્રવેશપત્ર પર પણ એ જ નામ છપાયેલાં હતાં.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
