<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

ઝારખંડ લોક સેવા આયોગ (JPSC) દ્વારા યોજાયેલી નાગરીક સેવા પ્રાથમિક પરીક્ષામાં કથિત ગડબડ અને કૌભાંડનો મામલો દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો: પીઆઇએલ દાખલ કરીને સમગ્ર ભરતી પ્રક્રિયા રદ્દ કરવા અને મામલાની સીબીઆઇ તપાસ કરાવવા માંગ

​બ્લેકલિસ્ટ એજન્સીને પરીક્ષા સોંપવા, OMR સીટમાં ગેરરીતિ અને બિનઅનુભવી ઉમેદવારોને પાસ કરવાના આક્ષેપો વચ્ચે રાંચીમાં વિદ્યાર્થીઓનો અનિશ્ચિત મુદતનો સત્યાગ્રહ, સીઆઇડી દ્વારા અધિકારીઓ સહિત અનેકની ધરપકડ બાદ મામલો વધુ ગરમાયો

​નવી દિલ્હી / રાંચી : ઝારખંડ લોક સેવા આયોગ (JPSC) ની ૧૪મી સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા ૨૦૨૫ માં થયેલી મોટો ગડબડ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોને કારણે ઊભો થયેલો વિવાદ હવે દેશની સર્વોચ્ચ અદાલત 'સુપ્રીમ કોર્ટ' સુધી પહોંચી ગયો છે. હરિશરણ દેવગન નામના અરજદાર દ્વારા એડવોકેટ સત્યમ સિંહ રાજપૂત મારફતે સર્વોચ્ચ અદાલતમાં એક જનહિત અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે આ વિવાદાસ્પદ ૧૪મી જેપીએસસી પ્રિલિમિનરી પરીક્ષાને તાત્કાલિક અસરથી રદ્દ કરીને કડક સુરક્ષા માપદંડો સાથે ફરીથી યોજવામાં આવે અને આ સમગ્ર ગેરરીતિઓની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) ને સોંપવામાં આવે. આ સાથે જ તપાસની દેખરેખ માટે સર્વોચ્ચ અદાલત કે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સ્વતંત્ર સમિતિ બનાવવાની પણ વિનંતી કરાઈ છે.

​સોશિયલ મીડિયા પર OMR શીટ વાયરલ થતાં ભડકો થયો

જેપીએસસી દ્વારા યોજાયેલી પરીક્ષા બાદ જ્યારે પરિણામ જાહેર કરવામાં આવ્યા ત્યારે કેટેગરી વાઇઝ કટ-ઓફ માર્ક્સ જાહેર કરવામાં આવ્યા ન હતા, જેનાથી ઉમેદવારોમાં શંકા જાગી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક સફળ ઉમેદવારની કથિત OMR શીટ વાયરલ થઈ હતી. આરોપ છે કે પેપર-૧ માં ૧૫૦ માંથી માત્ર ૪૮ પ્રશ્નો હલ કર્યા હોવા છતાં અને ક્વોલિફાઇંગ માર્ક્સ કરતાં અત્યંત ઓછા ગુણ હોવા છતાં તે ઉમેદવારને મુખ્ય પરીક્ષા (Mains) માટે લાયક જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ઝારખંડના હજારો પરીક્ષાર્થીઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો અને વિદ્યાર્થીઓએ રાંચીના બાપુ વાટિકા તથા મોરાબાદી વિસ્તારમાં અનિશ્ચિત મુદતના ધરણાનંદોલન અને સત્યાગ્રહની શરૂઆત કરી દીધી હતી.

​CID ની સ્પેશિયલ તપાસ અને મોટા ખુલાસાઓ

વિદ્યાર્થીઓના આક્રોશ અને વિરોધ પ્રદર્શનને જોતાં રાજ્ય સરકારે સમગ્ર મામલાની તપાસ સીઆઇડી (CID) ને સોંપીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી હતી. સીઆઇડીની તપાસ દરમિયાન ઝારખંડ અને લખનૌ સહિતના વિસ્તારોમાં દરોડા પાડીને ૧૦ થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં ગોડ્ડા જિલ્લાના બ્લોક સપ્લાય ઓફિસર (BSO) અભય તિવારી ઉર્ફે મનોજ તિવારી અને પરીક્ષાનું કમ્પ્યુટર ડેટા પ્રોસેસિંગ કરતી આઉટસોર્સિંગ એજન્સી TSR ડેટા પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડના એકાઉન્ટન્ટ રક્ષક સિંહની ધરપકડ સામેલ છે. તપાસમાં બહાર આવ્યું છે કે જે કંપનીને પરીક્ષાની જવાબદારી સોંપાઈ હતી તે અગાઉ જ ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં બ્લેકલિસ્ટ થયેલી હતી, છતાં તેને આટલી મહત્વની પરીક્ષાનું કામ આપી દેવાયું હતું.

​સુપ્રીમ કોર્ટમાં કઈ કઈ મુખ્ય માગણીઓ રજૂ કરાઈ?

સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરાયેલી અરજીમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર દખલગીરી કરવાની માંગ કરવામાં આવી છે:

​૧૪મી જેપીએસસી પ્રિલિમિનરી પરીક્ષા ૨૦૨૫ રદ્દ કરીને પારદર્શક રીતે નવી પરીક્ષા લેવામાં આવે.
​સીબીઆઇ દ્વારા સમયબદ્ધ અને ઊંડાણપૂર્વકની તપાસ કરાવવામાં આવે.
​OMR શીટ્સનું સ્કેનિંગ, મૂલ્યાંકન, બાયોમેટ્રિક ડેટા અને કોડિંગ પ્રક્રિયાનું સ્વતંત્ર રીતે ફોરેન્સિક ઓડિટ કરાવાય.
​મૂળ OMR શીટ્સ, કાર્બન કોપી, પ્રશ્નપત્રો, આન્સર-કી, હાજરી પત્રક અને પરીક્ષા કેન્દ્રોના CCTV ફૂટેજ સુરક્ષિત રાખવામાં આવે.
​વિદ્યાર્થીઓનો રોષ અને સીબીઆઇ તપાસની અડગ માગ

ઝારખંડના ખૂણે-ખૂણેથી આવેલા હજારો વિદ્યાર્થીઓ અને પરીક્ષાર્થીઓ સીઆઇડી તપાસથી અસંતૃપ્ત છે અને તેમની એક જ માંગ છે કે રાજ્ય સરકારના કોઈ પણ પ્રભાવ વગર સ્વતંત્ર કેન્દ્રીય એજન્સી સીબીઆઇ અથવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જ આ સમગ્ર કૌભાંડનું સત્ય બહાર લાવવામાં આવે. જેપીએસસીના ભૂતપૂર્વ ચેરમેન અને વરિષ્ઠ અધિકારીઓની પણ આ મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે, ત્યારે હવે સુપ્રીમ કોર્ટ આ મામલે શું વલણ અપનાવે છે તેના પર રાજ્યના લાખો યુવાનોનું ભવિષ્ય અને નજર ટકેલી છે.

(6:31 PM IST)