<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

સંસદથી સોશિયલ મીડિયા સુધી ‘મહિલા અનામત’ મુદ્દે મહાસંગ્રામ: કિરેન રિજિજુના તીખા પ્રહાર સામે રાહુલ ગાંધીનો જોરદાર પલટવાર

મહિલા અનામત કાયદાને સીમાંકન સાથે જોડવા અંગે કેન્દ્ર સરકાર અને વિપક્ષ સામસામે : કિરેન રિજિજુએ કોંગ્રેસને શરત વગર સમર્થન આપવા અપીલ કરી

નવી દિલ્હી :  મહિલા અનામત બિલ અને પ્રસ્તાવિત સીમાંકન મુદ્દે દેશના રાજકીય ગલિયારાથી લઈને સોશિયલ મીડિયા સુધી સંગ્રામ છેડાઈ ગયો છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ રાહુલ ગાંધીના એક વીડિયો પર ટિપ્પણી કરતા કોંગ્રેસ અને વિપક્ષને મહિલા અનામત બિલને બિનશરતી સમર્થન આપવા ખુલ્લો પડકાર ફેંક્યો હતો. રિજિજુએ કટાક્ષ કરતા કહ્યું કે રાહુલ ગાંધીના મનમાં મહિલાઓ પ્રત્યે સકારાત્મક પરિવર્તન દેખાઈ રહ્યું છે, તેથી દેશહિતમાં કોંગ્રેસે હવે આ બિલનો કોઈ વિરોધ કર્યા વિના સાથ આપવો જોઈએ. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન બંને નેતાઓ વચ્ચેની આ વાકયુદ્ધે રાજકીય તાપમાન પારાવાર વધારી દીધું છે.

કિરેન રિજિજુના વાર સામે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જોરદાર પલટવાર કરીને કેન્દ્ર સરકારના ઈરાદાઓ સામે સવાલોનો મારો ચલાવ્યો હતો. રાહુલે સ્પષ્ટ શબ્દોમાં યાદ અપાવ્યું કે મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ) વર્ષ 2023 માં જ કોંગ્રેસના સંપૂર્ણ અને સર્વાનુમતે સમર્થનથી પસાર થઈ ગયું હતું. તેમણે સવાલ ઉઠાવ્યો કે, જો કાયદો બન્યાને આટલો સમય વીતી ગયો હોય તો પછી તેનો અમલ હજુ સુધી કેમ થયો નથી? રાહુલે આરોપ લગાવ્યો કે સરકાર આ કાયદાને સીમાંકન સાથે જોડીને બિનજરૂરી વિલંબ કરી રહી છે અને માંગ કરી કે કાયદાને કોઈપણ શરતો કે અટપટી પ્રક્રિયા વિના તુરંત લાગુ કરવામાં આવે.

આ સમગ્ર રાજકીય ઘર્ષણ પાછળ લોકસભા બેઠકોના પુનઃસીમાંકન અને સીટોના વધારાનું ગણિત છુપાયેલું છે. કેન્દ્ર સરકાર વસ્તી ગણતરીના આધારે લોકસભાની કુલ બેઠકો 543 થી વધારીને 850 સુધી લઈ જવાની યોજના ધરાવે છે, જેમાં 33 ટકા એટલે કે 273 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ છે. જોકે, વિપક્ષ અને દક્ષિણ ભારતના પક્ષોનો મુખ્ય આક્ષેપ એ છે કે આ પ્રકારના સીમાંકનથી ઉત્તર ભારતની સરખામણીએ દક્ષિણના રાજ્યોની રાજકીય તાકાતમાં ઘટાડો થઈ શકે છે. બંને પક્ષો પોતપોતાના સ્ટેન્ડ પર અડગ હોવાથી સંસદની મડાગાંઠ વધુ ઘેરી બની છે.

(6:39 PM IST)