News of Saturday, 8th August 2026
"અમને સીરિયા સમજવાની ભૂલ ન કરતા...": ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનની અમેરિકા અને ઈઝરાયલને આખરી ચેતવણી!
મધ્ય પૂર્વમાં વધતા ભારે તણાવ વચ્ચે ઈરાની રાષ્ટ્રપતિએ સરકારી ટીવી પરથી પશ્ચિમી દેશો સામે હૂંકાર ભર્યો : ઈરાન યુદ્ધ ઈચ્છતું નથી પરંતુ જો દબાણ કરવામાં આવશે તો છેલ્લા શ્વાસ સુધી પીછેહઠ કર્યા વિના લડશે અને દુશ્મનોના તમામ મનસુબાઓને નાકામ કરી દેશે

તેહરાન : મધ્ય પૂર્વમાં સતત વધી રહેલા ભૌગોલિક અને રાજકીય તણાવ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા અને ઈઝરાયલને અત્યાર સુધીની સૌથી તીખી અને ખુલ્લી ચેતવણી આપી છે. ઈરાની સરકારી ટેલિવિઝનને આપેલા એક વિશેષ ઇન્ટરવ્યુમાં પેઝેશ્કિયાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ઈરાને ક્યારેય યુદ્ધની પહેલ નથી કરી, પરંતુ જો તેના પર લશ્કરી દબાણ લાવવામાં આવશે તો દેશનો એક પણ નાગરિક ઝૂકશે નહીં. તેમણે વિરોધીઓને સણસણતો જવાબ આપતા કહ્યું કે, "અમે અમારા છેલ્લા શ્વાસ સુધી લડીશું અને પીછેહઠ કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી."
ઈરાની રાષ્ટ્રપતિએ પશ્ચિમી દેશો અને ઈઝરાયલ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે વિરોધીઓએ ઈરાનને સીરિયાની જેમ જ 48 કલાકમાં અસ્થિર કરીને કબજો કરી લેવાની યોજના બનાવી હતી. જોકે, ઈરાનની સૈન્ય તાકાત અને આંતરિક એકતાએ દુશ્મનોના આ તમામ અંદાજોને ખોટા સાબિત કરી દીધા છે. પેઝેશ્કિયાને ઉમેર્યું કે અમેરિકા અને ઈઝરાયલ પર્સિયન ગલ્ફના દેશોને ઈરાનની વિરુદ્ધ ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ઈરાન રાજદ્વારી વાટાઘાટો અને મજબૂત રણનીતિ દ્વારા આ તમામ કાવતરાંઓને નિષ્ફળ બનાવી રહ્યું છે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે હોર્મુઝ માંથી કોમર્શિયલ શિપિંગ સેવાઓ સુરક્ષિત રીતે પુનઃશરૂ કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વાટાઘાટો ચાલી રહી છે. રાષ્ટ્રપતિએ ભારપૂર્વક કહ્યું કે જો ઈરાનના સાર્વભૌમત્વ અને અધિકારોનો સ્વીકાર કરવામાં આવે તો તે યુદ્ધનો વિરામ ઈચ્છે છે, પરંતુ જો ઈઝરાયલ સંઘર્ષ ચાલુ રાખવા માંગશે તો ઈરાન તેનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ નિવેદન બાદ સમગ્ર મધ્ય પૂર્વ ક્ષેત્રમાં યુદ્ધના વાદળો વધુ ઘેરાયા છે અને વૈશ્વિક સ્તરે ચિંતા વધી ગઈ છે.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
