News of Saturday, 8th August 2026
૧ સપ્ટેમ્બરથી બદલાઈ જશે ડીમેટ અને મ્યુચ્યુઅલ ફંડના નિયમો: નોમિનેશન અંગે તાત્કાલિક નિર્ણય લેવો થશે ફરજિયાત
સેબીના નવા પરિપત્ર મુજબ ૧ સપ્ટેમ્બર ૨૦૨૬થી સિંગલ-હોલ્ડર ડીમેટ ખાતા અને મ્યુચ્યુઅલ ફંડમાં 'નોમિનેશન ન આપવાનો' વિકલ્પ બંધ : રોકાણકારોએ હવે કાં તો નોમિની ઉમેરવો પડશે અથવા સત્તાવાર ઘોષણાપત્ર દ્વારા નોમિનેશનમાંથી બહાર નીકળવું પડશે

મુંબઈ : ભારતીય શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રના નિયામક સેબી (SEBI) એ રોકાણકારો માટે એક અત્યંત મહત્વનો અને યુગપ્રવર્તક નિર્ણય લીધો છે, જેનો સીધો પ્રભાવ દેશના કરોડો રોકાણકારો પર પડશે. ૧ સપ્ટેમ્બર ૨૦૨૬થી અમલમાં આવનારા આ નવા નિયમો મુજબ, જો તમારી પાસે સિંગલ-હોલ્ડર ડીમેટ એકાઉન્ટ અથવા મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો છે, તો તમારે નોમિનેશન અંગે સ્પષ્ટ પસંદગી દર્શાવવી હવે અનિવાર્ય બની ગઈ છે. સેબીના ૨૯ મે ૨૦૨૬ના પરિપત્ર અનુસાર, હવે ખાતું ખોલતી વખતે કે અપડેટ કરતી વખતે નોમિનેશનની પ્રક્રિયાને ખાલી અથવા અધૂરી રાખી શકાશે નહીં. રોકાણકારે પોતાના ખાતામાં ત્રણ જેટલા નોમિનીના નામ અને તેમને મળવાપાત્ર હિસ્સાની ટકાવારી નક્કી કરવી પડશે, અથવા નોમિની ન રાખવા માટે નિર્ધારિત 'ઓપ્ટ-આઉટ' ફોર્મ ભરીને સહી સાથેનું ઘોષણાપત્ર જમા કરાવવું પડશે.
આ ક્રાંતિકારી બદલાવ પાછળ સેબીનો મુખ્ય હેતુ રોકાણકારના આકસ્મિક અવસાન બાદ તેના કાનૂની વારસદારોને સંપત્તિ અને ભંડોળ મેળવવામાં પડતી જટિલ કાનૂની મુશ્કેલીઓને નાબૂદ કરવાનો છે. આ નવો નિયમ મુખ્યત્વે સિંગલ-હોલ્ડર એકાઉન્ટ્સ માટે કડક બનાવવામાં આવ્યો છે, જ્યારે સંયુક્ત (જૉઇન્ટ) ડીમેટ ખાતા કે ફોલિયો માટે નોમિનેશન હજુ પણ વૈકલ્પિક રહેશે. સંયુક્ત ખાતાઓમાં નોમિની ઉમેરવા કે બદલવા માટે તમામ ખાતાધારકોની સંમતિ જરૂરી રહેશે. જે રોકાણકારો નોમિની ઉમેરવા નથી માંગતા, તેઓ ખૂબ જ સરળતાથી પોતાના બ્રોકર, બેંક અથવા ઓનલાઈન મ્યુચ્યુઅલ ફંડ પ્લેટફોર્મમાં લોગ ઈન કરીને નોમિનેશન વિભાગમાંથી "ઓપ્ટ આઉટ" નો વિકલ્પ પસંદ કરીને આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.
આ ઉપરાંત, જો કોઈ રોકાણકારનું નોમિનેશન વગર અવસાન થાય છે, તો તેની સંપત્તિ કાનૂની વારસદારોને સુપરત કરવા માટે સેબીએ 'સિક્યોરિટીઝ ટ્રાન્સમિશન' પ્રક્રિયાને વધુ ઝડપી અને સરળ બનાવી દીધી છે. સેબીએ નાના દાવાઓના ઝડપી ઉકેલ માટે નવી મર્યાદાઓ પણ જાહેર કરી છે, જેમાં ભૌતિક (ફિઝિકલ) હોલ્ડિંગ્સ માટે ₹૧૦,૦૦૦ સુધી અને ડીમેટ હોલ્ડિંગ્સ માટે ₹૩૦,૦૦૦ સુધીના નાના દાવાઓનું સમાધાન ખૂબ જ સરળ દસ્તાવેજીકરણ દ્વારા તાત્કાલિક કરવામાં આવશે. આ પગલાંથી રોકાણકારોના કરોડો રૂપિયાના અણવપરાયેલા (અનક્લેઇમ) ફંડ અને શેર યોગ્ય વારસદારો સુધી સુરક્ષિત અને વહેલી તકે પહોંચાડી શકાશે.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
