News of Saturday, 8th August 2026
નેવિગેશન થશે વધુ સરળ: હવે ગુગલ મેપ્સ હિન્દી ભાષા સમજશે અને આપશે લાઈવ ટ્રેન-બસના અપડેટ્સ
ભારતીય યુઝર્સ માટે ગુગલ મેપ્સમાં 'આસ્ક મેપ્સ' AI ફીચરનું નવું અપડેટ : હિન્દીમાં પૂછી શકાશે રસ્તાઓ, જીમેઇલ લિંક કરવાથી મળશે ટ્રિપના આધારે પર્સનલાઇઝ્ડ સૂચનો અને ભૂતકાળની ચેટ્સ પણ રહેશે યાદ

બેંગલુરુ : હવે અજાણ્યા શહેરોમાં રસ્તાઓ શોધવા કે નેવિગેશન કરવું વધુ આસાન બની ગયું છે. ગૂગલે તેના લોકપ્રિય એપ્લિકેશન 'ગૂગલ મેપ્સ'માં 'આસ્ક મેપ્સ' (Ask Maps) AI ફીચર હેઠળ ભારતીય યુઝર્સ માટે એક મોટો અને સ્માર્ટ ફેરફાર કર્યો છે. હવે યુઝર્સ અંગ્રેજીના બદલે માતૃભાષા હિન્દીમાં સરળતાથી પ્રશ્નો પૂછીને સ્થળ, દિશાઓ, નજીકના જોવાલાયક સ્થળો અને રેસ્ટોરાં વિશેની ચોક્કસ માહિતી મેળવી શકશે. ભાષાકીય મર્યાદાઓ દૂર થવાથી સામાન્ય લોકો માટે પણ મેપ્સનો ઉપયોગ કરવો વધુ સરળ બનશે.
આ અપડેટમાં સેવાઓને વધુ વ્યક્તિગત બનાવવા માટે 'પર્સનલ ઇન્ટેલિજન્સ' અને 'કોન્વર્ઝેશન મેમરી' જેવા શક્તિશાળી ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. યુઝર્સ પોતાના જીમેઇલ એકાઉન્ટને મેપ્સ સાથે લિંક કરી શકશે, જેનાથી ફ્લાઇટ ટિકિટ કે હોટેલ બુકિંગના આધારે ગૂગલ મેપ્સ જાતે જ નજીકના જોવાલાયક સ્થળો અને સમય મુજબના સુચનો આપશે. જોકે, આ જીમેઇલ લિંકિંગ ડિફોલ્ટ રૂપે બંધ રહેશે અને યુઝર્સે તેને જાતે ચાલુ કરવાનું રહેશે. આ સિવાય, મેપ્સ હવે તમારી જૂની ચેટ્સ અને પ્લાનિંગને પણ યાદ રાખશે, જેથી દર વખતે નવેસરથી વિગતો શોધવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
ભારતીય યુઝર્સ માટે સૌથી ઉપયોગી અપડેટ લાઈવ પબ્લિક ટ્રાન્સપોર્ટની માહિતી છે. હવે યુઝર્સને બસ, મેટ્રો અને ટ્રેનની રીઅલ-ટાઇમ સ્ટીક માહિતી મળશે, જેમાં ટ્રેન કે બસનો લાઈવ ટાઈમ, લેટ-લપેટનો સમય, રૂટમાં ફેરફાર અને કનેક્ટિંગ રાઈડ્સની વિગતો એક જ જગ્યાએ જોવા મળશે. જોકે, ફૂડ ઓર્ડરિંગ અને ઇવેન્ટ સૂચનો જેવા કેટલાક AI ફીચર્સ હાલમાં માત્ર અમેરિકા પૂરતા મર્યાદિત છે, પરંતુ ભારત સહિત અન્ય દેશોમાં લાઈવ ટ્રાન્ઝિટ અને પર્સનલ ઇન્ટેલિજન્સ રોલઆઉટ કરી દેવામાં આવ્યા છે.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
