News of Saturday, 8th August 2026
JPSC પરીક્ષા કૌભાંડ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું: માત્ર ૪૮ પ્રશ્નોના જવાબ આપનાર ઉમેદવાર પાસ થતાં હોબાળો : CBI તપાસની માંગ
ઝારખંડ સિવિલ સર્વિસ પ્રિલિમ્સ પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિ અને OMR શીટમાં હેરાફેરીના આક્ષેપો સાથે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ

નવી દિલ્હી : ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC) દ્વારા લેવાયેલી સંયુક્ત સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા ૨૦૨૫ માં કથિત મોટા પાયે આચરવામાં આવેલા કૌભાંડનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. સામાજિક કાર્યકર હરિશ્રણ દેવગણે બંધારણની કલમ ૩૨ હેઠળ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરીને આ સમગ્ર કૌભાંડની સીબીઆઈ (CBI) અથવા સર્વોચ્ચ અદાલતની દેખરેખ હેઠળની કોઈ સ્વતંત્ર તપાસ સમિતિ દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ કરી છે. ૧૯ એપ્રિલ ૨૦૨૬ના રોજ લેવાયેલી આ પરીક્ષાનું પ્રારંભિક પરિણામ ૨ જુલાઈ ૨૦૨૬ના રોજ જાહેર થયા બાદ, એક સફળ ઉમેદવારની OMR શીટની કાર્બન કોપી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જેમાં ઉમેદવારે પ્રથમ પેપરમાં ૧૦૦ માંથી માત્ર ૪૮ પ્રશ્નોના જ જવાબ આપ્યા હોવા છતાં તેને ઉત્તીર્ણ જાહેર કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં રોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે.
આ મામલે સર્જાયેલા વિવાદ બાદ JPSC એ દાવો કર્યો હતો કે CID આ કેસની તપાસ કરી રહી છે અને ઉમેદવારો પાસેથી OMR કાર્બન કોપી પણ મંગાવવામાં આવી હતી. પરંતુ વિદ્યાર્થીઓ આ તપાસથી અસંતુષ્ટ છે અને ૨૫ જુલાઈ ૨૦૨૬થી રાંચીના બાપુ વાટિકા અને જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમ ખાતે અનિશ્ચિત મુદતના વિરોધ પ્રદર્શન પર બેઠા છે. આંદોલનકારી વિદ્યાર્થીઓની માંગ છે કે ૧૪મી JPSC પરીક્ષા તાત્કાલિક રદ કરવામાં આવે અને ભરતી પ્રક્રિયામાં પારદર્શક ફેરફારો કરવામાં આવે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભૂખ હડતાળ પર બેઠેલા વિદ્યાર્થી નેતા રાહુલની તબિયત ગંભીર રીતે લથડતાં તેમને રાંચીની સદર હોસ્પિટલના આઈસીયુ (ICU) માં દાખલ કરવા પડ્યા છે, જેનાથી આંદોલન વધુ ઉગ્ર બન્યું છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે OMR શીટનું સ્કેનિંગ, કોડિંગ, ચકાસણી અને પરિણામ તૈયાર કરવાની સમગ્ર ડિજિટલ અને મેન્યુઅલ સિસ્ટમનું સ્વતંત્ર રીતે ઓડિટ કરવામાં આવે. જેથી યોગ્ય ઉમેદવારો અને ગેરરીતિથી પાસ થયેલા ઉમેદવારોને પુરાવાના આધારે અલગ કરી શકાય. આ ઉપરાંત, અરજદારે કોર્ટ પાસે માંગ કરી છે કે પરીક્ષા સંબંધિત તમામ ભૌતિક અને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સ જેવા કે OMR શીટ્સ, આન્સર કી, બાયોમેટ્રિક ડેટા, CCTV ફૂટેજ અને પરીક્ષા કેન્દ્રોના રિપોર્ટ્સને સક્ષમ સત્તામંડળ દ્વારા તાત્કાલિક સુરક્ષિત (સીલ) કરવામાં આવે જેથી પુરાવાઓ સાથે કોઈ છેડછાડ ન થઈ શકે.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
