News of Saturday, 8th August 2026
ગોરેગામની કંપની સાથે ₹૯૪ લાખની ઠગાઈના બોગસ ઈ-વે બિલ કૌભાંડમાં મોટો ધડાકો: બે વર્ષથી ફરાર બે સાતિર આરોપીઓ છત્તીસગઢના રાયપુરથી ઝબ્બે!
કંપનીના જ પૂર્વ ઝોનલ હેડની સાઠગાંઠથી બોગસ પાવતીઓ અને નકલી સ્ટેમ્પ બનાવી કરોડોનો તોડ; વનરાઈ પોલીસે ટેકનિકલ સર્વેલન્સથી ફિલ્મી ઢબે દબોચ્યા!

મુંબઈ : કોઈ પણ પ્રકારના માલસામાનની લે-વેચ કર્યા વિના માત્ર કાગળ પર બોગસ ઈ-વે બિલ અને નકલી પાવતીઓ બનાવી ગોરેગામની એક પ્રતિષ્ઠિત કંપની સાથે રૂ. ૯૪ લાખની કથિત છેતરપિંડી આચરવાના બે વર્ષ જૂના ચર્ચાસ્પદ કેસમાં વનરાઈ પોલીસને મોટી સફળતા સાંપડી છે. પોલીસે ગુપ્ત બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે દરોડો પાડીને છત્તીસગઢના રાયપુર ખાતેથી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
વનરાઈ પોલીસે પકડી પાડેલા બંને આરોપીઓની ઓળખ કમલેશ સાહુ અને વીરેન્દ્ર તન્વર તરીકે થઈ છે. પોલીસ તપાસમાં સામે આવેલાં તથ્યો મુજબ, આ કરોડોના કૌભાંડમાં ફરિયાદી કંપનીના તત્કાલીન ઝોનલ હેડ દેવ શર્માની પણ સીધી સંડોવણી ખુલી છે. ઝોનલ હેડ દેવ શર્મા સાથે સાઠગાંઠ કરીને મુખ્ય સૂત્રધાર કમલેશ સાહુએ આખું કાવતરું ઘડ્યું હતું, જેમાં બે કંપનીઓ વચ્ચે વ્યવહાર દર્શાવતા નકલી ઈ-વે બિલ, બોગસ પાવતીઓ અને મેળવનાર કંપનીના બનાવટી રબર સ્ટેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
કાગળ પર ખોટો કારોબાર દર્શાવી સામાન મોકલ્યા વિના જ કંપની પાસેથી રૂ. ૯૪ લાખ ચૂકવી દેવાયા હતા. આ સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થતાં કંપનીના અધિકારી પ્રશાંત શેટ્ટીકરે વનરાઈ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. ગુનો નોંધાયા બાદ બંને આરોપીઓ પોતાની ઓળખ છુપાવીને રાયપુરમાં ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, આરોપીઓ રાયપુરમાં હોવાની સચોટ બાતમી મળતાં જ વનરાઈ પોલીસની એક સ્પેશિયલ ટીમ ત્યાં રવાના કરવામાં આવી હતી. પોલીસે સેક્ટર-૨૭માંથી કમલેશ સાહુને અને અરણ્ય ભવન પાસેથી વીરેન્દ્રને પીછો કરીને ફિલ્મી ઢબે ઝડપી લીધા હતા. મુંબઈ લાવવા માટે ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી પોલીસે આ કૌભાંડના અન્ય તાર મેળવવા માટે બંને આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
