<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

મુંબઈમાં સાયબર ક્રાઈમ કૌભાંડમાં મોટો ધડાકો: બે યુવકોના ૨૨ બેંક ખાતામાંથી ₹૭.૪૨ કરોડના શંકાસ્પદ વ્યવહારો, ખાર પોલીસે એકની કરી અટકાયત!

ઓનલાઈન ટાસ્ક અને પાર્ટ-ટાઈમ જોબના નામે કમિશનની લાલચ આપી છેતરપિંડી; સાયબર ઠગ ગેંગને મ્યુલ બેંક એકાઉન્ટ પૂરા પાડતા રેકેટનો પર્દાફાશ!

મુંબઈ : આર્થિક પાટનગર મુંબઈમાં સાયબર ભોપાળા અને ઓનલાઈન છેતરપિંડીના એક ચોંકાવનારા કૌભાંડનો ખાર પોલીસે પર્દાફાશ કર્યો છે. સાયબર ઠગોને કમિશનના નામે પોતાના તથા અન્ય લોકોના નામે ખોલેલાં બેંક ખાતાં (મ્યુલ એકાઉન્ટ્સ) પૂરાં પાડતી ગેંગના એક સભ્યની પોલીસે ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં માત્ર બે યુવકોના નામે બોલાવાયેલાં ૨૨ જેટલાં વિવિધ બેંક ખાતાઓમાં રૂ. ૭.૪૨ કરોડથી વધુની માતબર રકમ જમા થઈ હોવાનું સામે આવતાં પોલીસ બેડામાં ભારે સળવળાટ મચી ગયો છે.

 

પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ અવિનાશ બાબાસાહેબ ખરાત તરીકે થઈ છે, જ્યારે આ કૌભાંડમાં સામેલ તેના મુખ્ય જોડીદાર વિકાસ ભુજબળની શોધખોળ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. સમગ્ર ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે ખાર વિસ્તારમાં રહેતા એક નાગરિકને ટેલિગ્રામ પર ઓનલાઈન ટાસ્ક પૂરા કરીને ઘેરબેઠા કમાણી કરવાની લાલચ આપવામાં આવી હતી. શરૂઆતમાં થોડો નફો બતાવી સાયબર ઠગોએ ફરિયાદી પાસેથી રૂ. ૪ લાખથી વધુ રકમ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી, પરંતુ બાદમાં વળતર કે મુદલ પરત ન મળતાં પીડિતે ખાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

 

ફરિયાદના આધારે ખાર પોલીસે જે બેંક એકાઉન્ટ્સમાં નાણાં જમા થયાં હતાં તેની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. ભારત સરકારના નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે જે એકાઉન્ટ્સ ટ્રેસ કર્યા તેના તાર અવિનાશ ખરાત અને વિકાસ ભુજબળ સુધી પહોંચ્યા હતા. પોલીસે દરોડો પાડીને અવિનાશ ખરાતને ઝડપી પાડ્યો હતો.

 

પોલીસ પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, અવિનાશ અને વિકાસ ગરીબ કે ભોળા લોકોને પૈસાની લાલચ આપી તેમના નામે તથા પોતાના નામે વિવિધ બેંકોમાં ખાતાં ખોલાવતા હતા. ત્યારબાદ તે તમામ બેંક એકાઉન્ટ્સની પાસબુક, એટીએમ કાર્ડ અને ચેકબુક (પાસવર્ડ કિટ) સાયબર ક્રિમિનલ્સને વેચી દેતા હતા. હાલ પોલીસે અવિનાશ અને તેના સાથીદારના ૨૨ બેંક ખાતાઓ સીઝ કર્યા છે અને આ રૂ. ૭.૪૨ કરોડની રકમ ક્યાં અને કોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે તેનો રૂટ ટ્રેસ કરવા તપાસ તેજ કરી છે.

 

(7:49 PM IST)