News of Saturday, 8th August 2026
મુંબઈમાં સાયબર ઠગોનો ભયાનક ખેલ: ૭૧ વર્ષના વૃદ્ધાને વોટ્સએપ કોલ પર ડિજિટલ એરેસ્ટ કરી નાણાં પડાવ્યા, મુખ્ય હેન્ડલર ઝબ્બે!
મની લોન્ડરિંગ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ. ૪.૫૦ લાખ પડાવ્યા; વિદેશી આકાઓ સાથે સંકળાયેલો કમિશન એજન્ટ કમાટીપુરામાંથી દબોચાયો!

મુંબઈ : આર્થિક પાટનગર મુંબઈમાં સાયબર ક્રાઈમના 'ડિજિટલ એરેસ્ટ' કૌભાંડનો વધુ એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મની લોન્ડરિંગ અને ગેરકાયદે વ્યવહારોમાં નામ હોવાનો ડર બતાવી, વોટ્સએપ વીડિયો કોલ દ્વારા એક વયોવૃદ્ધ મહિલાને નજરકેદ (ડિજિટલ એરેસ્ટ) રાખી લાખો રૂપિયા પડાવવાના કેસમાં દહિસર પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ઠગ ગેંગ માટે મુંબઈથી કામ કરતા મુખ્ય હસ્તકની અટકાયત કરી છે.
દહિસર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ ૨૮ વર્ષીય ધીરજકુમાર કેસારામ પ્રજાપતિ તરીકે થઈ છે, જે દક્ષિણ મુંબઈના કામાઠીપુરા વિસ્તારનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા મુજબ, દહિસર પૂર્વમાં રહેતા ૭૧ વર્ષના વૃદ્ધાએ જુલાઈ મહિનામાં નોંધાવેલી ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. બોગસ પોલીસ અધિકારી બનીને સાયબર ઠગોએ વૃદ્ધાને ડરાવી-ધમકાવીને સતત વોટ્સએપ કોલ પર રાખી ઘરમાં જ નજરકેદ કર્યા હતા અને ચાલાકીથી બેંક ખાતાની વિગતો મેળવીને રૂ. ૪.૫૦ લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.
પોલીસ તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે, વૃદ્ધા પાસેથી પડાવેલી રકમ 'મહાકાલ એન્ટરપ્રાઈઝીસ' નામના કરંટ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી. આ બેંક ખાતા સાથે લિંક થયેલું ઈ-મેઈલ આઈડી આરોપી ધીરજકુમારના મોબાઈલમાંથી ઓપરેટ થઈ રહ્યું હતું. જોકે, તેણે વાપરેલું સિમ કાર્ડ અન્ય કોઈ વ્યક્તિના નામે રજિસ્ટર્ડ હોવાનું બહાર આવતાં પોલીસે તે દિશામાં પણ તપાસ લંબાવી છે.
પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપી ધીરજકુમાર વિદેશથી ઓપરેટ થતી સાયબર ગેંગના સંપર્કમાં હતો. તે બેંક એકાઉન્ટના તમામ વ્યવહારો અને ઈ-મેઈલ સંભાળતો હતો તથા ખાતામાં નાણાં જમા થતાં જ પોતાનું કમિશન કાપીને બાકીની રકમ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલ્સ સુધી પહોંચાડતો હતો. દહિસર પોલીસ હાલ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે કે તેણે આ રીતે અન્ય કેટલા નિર્દોષ નાગરિકોને પોતાની જાળમાં ફસાવીને કરોડો રૂપિયાનું ભોપાળું આચર્યું છે.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
