<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

'ઓપરેશન સફેદ સાગર' ફિલ્મથી ભારતીય અર્થતંત્રમાં અધધ ₹૨૧૫ કરોડનો ધમાકો: નેટફ્લિક્સ પ્રોડક્શનના શૂટિંગથી હજારો સ્થાનિકો અને વેપારીઓની રોજીરોટી ચમકી!

નેટફ્લિક્સના સીઈઓ ટેડ સારંડોસનો મોટો ખુલાસો; ૧૧૫ દિવસના શૂટિંગમાં ૮૦૦થી વધુ વેન્ડર્સ જોડાયા અને VFX પાછળ ₹૪૯ કરોડનો માતબર ખર્ચ કરાયો!

મુંબઈ : ભારતીય વાયુસેનાના સાહસ, શૌર્ય અને દેશના જવાનોના બલિદાનની ગાથા વર્ણવતી ફિલ્મ 'ઓપરેશન સફેદ સાગર' ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થતાં જ ચર્ચાના કેન્દ્રસ્થાને રહી છે. કારગીલ યુદ્ધ પર આધારિત આ ફિલ્મના ભવ્ય શૂટિંગ અને વિઝ્યુઅલ ઈફેક્ટ્સે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે. એક વિશેષ રિપોર્ટ અનુસાર, નેટફ્લિક્સના સીઈઓ ટેડ સારંડોસે ખુલાસો કર્યો છે કે આ હાઈ-બજેટ પ્રોડક્શનને કારણે ભારતીય અર્થતંત્રને રૂ. ૨૧૫ કરોડ જેટલું મોટું યોગદાન સાંપડ્યું છે.

 

'ઓપરેશન સફેદ સાગર'ના ભવ્ય નિર્માણ માટે ટીમ દ્વારા ૯થી વધુ શહેરોમાં ૮૦૦થી વધુ વેન્ડર્સ સાથે કામ કરવામાં આવ્યું હતું. કૂલ ૧૧૫ દિવસ સુધી ચાલેલા આ શૂટિંગ દરમિયાન પ્રોડક્શન હાઉસ દ્વારા આશરે ૨૦૦ સ્થાનિક કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સને રોજગારી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, વિવિધ લોકેશન્સ પર ૪,૦૦૦ જેટલા દૈનિક ધોરણે કામ કરતા કામદારોની સેવાઓ લેવામાં આવી હતી, જેનાથી સ્થાનિક નાના વેપારીઓ અને રોજમદારોને મોટો આર્થિક ફાયદો થયો હતો.

 

ફિલ્મના સીન્સ અને વિઝ્યુઅલ્સને વધુ તાદ્રશ્ય અને રોમાંચક બનાવવા માટે લેટેસ્ટ વીએફએક્સ (VFX) અને સ્પેશિયલ ઈફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નિર્માતાઓએ માત્ર વિઝ્યુઅલ ઈફેક્ટ્સ પાછળ જ રૂ. ૪૯ કરોડનો અધધ ખર્ચ કર્યો હતો. દરેક સીન પર કરવામાં આવેલું આ બારીક કામ ફિલ્મના એક-એક ફ્રેમમાં સ્પષ્ટપણે જોવા મળે છે.

 

વાયુસેનાના આ ઐતિહાસિક ઓપરેશન અને તેમના બેઝકેમ્પના સીન્સને રીયલ લુક આપવા માટે સંબંધિત સત્તાવાળાઓની ખાસ મંજૂરી મેળવીને રિયલ લોકેશન્સ પર રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. હિમાચલ પ્રદેશના અજાણ્યા અને પડકારજનક કુદરતી વિસ્તારોમાં શૂટિંગ કરીને વાર્તાને અસલ વાસ્તવિકતા આપવામાં આવી છે. અગાઉ આવેલી 'ફાઈટર' મુવી બાદ વાયુસેનાના અદમ્ય સાહસ પર બનેલી આ વેબ સીરિઝ દર્શકોમાં ભારે લોકપ્રિયતા મેળવી રહી છે.

 

(8:13 PM IST)