<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

મધ્યપ્રદેશના શિવપુરીમાં આકાશી આફત: મહુઆર નદીમાં ભયાનક પૂર આવતા ૧૨ ગામો પાણીમાં ગરકાવ, ખેતરો તળાવમાં ફેરવાયા!

મુશળધાર વરસાદથી ૫૦ ટકાથી વધુ પાક ધોવાઈ જવાની ભીતિ; બૈરાડમાં ૨૪ કલાકમાં ૧૬૦ મીમી વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત, શાળાઓ અને ઘરોમાં પાણી ઘૂસ્યા!

શિવપુરી : મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના પિછોર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા મુશળધાર વરસાદે ભારે વિનાશ નોતર્યો છે. શુક્રવાર અને શનિવારની રાત્રે પડેલા ભારે વરસાદને કારણે મહુઆર નદીમાં વિનાશક પૂર આવ્યું છે. નદી બે કાંઠે છલકાતાં ગુરુકુડવાયા ગ્રામ પંચાયત સહિત આસપાસના લગભગ ૧૨ જેટલા ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને સમગ્ર વિસ્તારનો સંપર્ક અન્ય શહેરોથી સંપૂર્ણપણે કપાઈ ગયો છે.

 

સૌથી વધુ કફોડી સ્થિતિ ગુરુકુડવાયા, મહુઆખેડા, બુડોન શાજાપુર, ઉમરીકલાન અને ભૌંતી ગામોમાં સર્જાઈ છે. અહીં ખેતરોમાં ૨ થી ૩ ફૂટ સુધી પાણી ભરાઈ જતાં સેંકડો એકર જમીનમાં વાવેલો સોયાબીન, અડદ અને મગફળીનો ખરીફ પાક સંપૂર્ણપણે ડૂબી ગયો છે. કૃષિ નિષ્ણાતોના મતે સોયાબીનના છોડ ૨૪ થી ૪૮ કલાક સુધી પાણીમાં રહે તો તેના મૂળ સડી જાય છે, જેના કારણે ખેડૂતોને ૫૦ ટકાથી વધુ પાક ગુમાવવાનો વારો આવ્યો છે.

 

ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરો અને શાળાઓમાં પૂરના પાણી ઘૂસી જતાં લોકોની ખાવા-પીવાની સામગ્રી પલળીને બેકાર થઈ ગઈ છે. પરિસ્થિતિ ગંભીર બનતાં સ્થાનિક શાળાઓમાં અઘોષિત રજા જાહેર કરવાની ફરજ પડી હતી. જિલ્લા સરકારી રેકોર્ડ મુજબ બૈરાડ ક્ષેત્રમાં જ ૨૪ કલાકમાં ૧૬૦ મીમી જેટલો રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે, જેનાથી મોસમનો કૂલ વરસાદ સરેરાશ કરતાં ઘણો વધી ગયો છે.

 

ખોડથી પિછોર તરફ જતા માર્ગ પરના અનેક નાના-મોટા પુલ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે. સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોએ વહીવટીતંત્ર પાસે તાત્કાલિક મહેસૂલ તથા કૃષિ વિભાગની ટીમ મોકલી પાકના નુકસાનીનો સર્વે કરવાની અને વળતર આપવાની માંગ કરી છે. પિછોરના એસડીએમ મમતા શાક્યના જણાવ્યા મુજબ, પૂરના પાણી હવે ધીમે ધીમે ઓસરી રહ્યા છે અને નુકસાનીનો ક્યાસ કાઢવા માટે ટીમો રવાના કરી દેવામાં આવી છે.

(8:29 PM IST)