હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાશ્મીરમાં પેલેટ ગન પીડિત ઇન્શા મુશ્તાક પરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ભારત સરકારના આદેશથી મેટાએ લાદ્યો પ્રતિબંધ: IT નિયમો હેઠળ લેવાઈ કડક કાર્યવાહી!
જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન બાદ પેલેટ ગનના ઉપયોગ સામે ફરી વિવાદ જાગ્યો; દસ વર્ષ બાદ સરકારે પીડિતા ઇન્શાને એલપીજી ડીલરશીપ મંજૂર કરી!

નવી દિલ્હી : કાશ્મીરમાં વર્ષ ૨૦૧૬ દરમિયાન પેલેટ ગનનો ભોગ બનેલી જાણીતી પીડિતા ઇન્શા મુશ્તાક અંગેના એક અહેવાલ સંબંધિત ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મેટા દ્વારા ભારતમાં એક્સેસ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે. નવી દિલ્હીના જંતર-મંતર ખાતે તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનો બાદ પેલેટ ગનના ઉપયોગ સામે દેશભરમાં ફરીથી ચર્ચા અને તપાસ શરૂ થઈ છે, તેવા સમયે આ કાનૂની પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
ખાસ અહેવાલ પર આધારિત આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ભારતીય યુઝર્સ માટે બ્લોક કરી દેવાઈ છે. મેટા કંપની દ્વારા લિંક પર દર્શાવાયેલા સત્તાવાર સંદેશમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતના માહિતી ટેકનોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો હેઠળ કાનૂની આવશ્યકતાઓ અને સરકારી નિર્દેશોને ધ્યાને રાખીને આ સામગ્રીનો એક્સેસ રોકવામાં આવ્યો છે.
આ સમગ્ર વિવાદ ત્યારે ફરી વકર્યો જ્યારે ૨૦ જુલાઈના રોજ જંતર-મંતર ખાતે યોજાયેલા પ્રદર્શન દરમિયાન સુરક્ષાદળો દ્વારા પેલેટ ગનનો ઉપયોગ કરાયાના આક્ષેપો થયા હતા. સુપ્રીમ કોર્ટમાં પણ પેલેટ ગનના ઉપયોગ વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે. આ નવેસરની ચર્ચા વચ્ચે જમ્મુ-કાશ્મીર સરકારે ઘટનાના એક દાયકા (૧૦ વર્ષ) બાદ ઇન્શા મુશ્તાક માટે એલપીજી (LPG) ડીલરશીપ મંજૂર કરવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, જુલાઈ ૨૦૧૬માં દક્ષિણ કાશ્મીરમાં હિંસા દરમિયાન પોતાના ઘરની બારી પાસે ધોરણ-૮ ની પરીક્ષાની તૈયારી કરી રહેલી ઇન્શા મુશ્તાકની આંખોમાં ડઝનબંધ પેલેટ વાગતા તે આજીવન અંધ બની ગઈ હતી. ૨૦૧૬ની અશાંતિમાં ૬,૦૦૦ થી વધુ નાગરિકો પેલેટ ગનથી ઘાયલ થયા હતા. મેટાના આ પ્રતિબંધિત પગલા બાદ સોશિયલ મીડિયા પર સેન્સર્શિપ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગે નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
