<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

ભારતની આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષા કાજે ગૃહ મંત્રાલયનો ઐતિહાસિક નિર્ણય: ૧ કિમીના દાયરામાં સોલાર, વિન્ડ અને હાઇબ્રિડ ઉર્જા પ્રોજેક્ટ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ!

સરહદથી ૫૦ કિમી સુધીનો પટ્ટો સંવેદનશીલ જાહેર કરાયો; પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશ જેવા પડોશી દેશોના નાગરિકો કે એન્જિનિયરોને નોકરીએ રાખવા પર કડક પાબંધી!

નવી દિલ્હી : સરહદી વિસ્તારોમાં નવીનીકરણીય (રિન્યુએબલ) ઉર્જા પ્રોજેક્ટ્સની વધી રહેલી અરજીઓ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (MHA) રાષ્ટ્રીય સુરક્ષાને અગ્રતા આપીને એક અત્યંત મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરી છે. નવી સુરક્ષા નીતિ મુજબ ભારતની આંતરરાષ્ટ્રીય સરહદો (IB), વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) અને નિયંત્રણ રેખા (LoC) ના ૧ કિલોમીટરના વિસ્તારને 'નો-પ્રોજેક્ટ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે ૧ કિમીની અંદર સૌર, પવન કે હાઇબ્રિડ ઉર્જા સંબંધિત કોઈ પણ નવા પ્રોજેક્ટ સ્થાપી શકાશે નહીં.

 

ગૃહ મંત્રાલયે સરહદથી ૫૦ કિલોમીટર સુધીના સમગ્ર પટ્ટાને સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ શ્રેણીમાં મૂક્યો છે. ૧ થી ૫૦ કિમીની અંદર પ્રસ્તાવિત દરેક પ્રોજેક્ટ માટે ગૃહ મંત્રાલયની સુરક્ષા મંજૂરી (Security Clearance) ફરજિયાત બનાવવામાં આવી છે. આ ઉપરાંત ૧ થી ૨૦ કિમીના દાયરામાં આવતા પ્રોજેક્ટ્સ માટે સંરક્ષણ મંત્રાલય પાસેથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવું અનિવાર્ય રહેશે. જોકે, આ નવી માર્ગદર્શિકા લાગુ થયા પહેલા મંજૂરી મેળવી ચૂકેલા જૂના પ્રોજેક્ટ્સને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે.

 

નવી નીતિ હેઠળ વિદેશી રોકાણ અને કર્મચારીઓની રોજગારી પર કડક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી વિના ડેવલપર્સ પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશ જેવા પડોશી સરહદી દેશોના એન્જિનિયરો, શ્રમિકો કે સ્ટાફને કામ પર રાખી શકશે નહીં. પ્રોજેક્ટની જમીન કોઈ વિદેશી કંપનીને ટ્રાન્સફર કરતા પહેલા પણ મંત્રાલયની મંજૂરી લેવી પડશે. સરહદથી ૫ કિમીની અંદર હોટેલ કે રહેણાંક સુવિધાઓ બનાવવા પર પ્રતિબંધ રહેશે તથા માળખાકીય બાંધકામ પર ચોક્કસ ઊંચાઈના નિયંત્રણો લાગુ પડશે.

 

સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે સંવેદનશીલ પ્રોજેક્ટ સ્થળોએ ડ્રોન વિરોધી સિસ્ટમ (Anti-Drone Systems) અને સમર્પિત પોલીસ ચોકી ઉભી કરવી ફરજિયાત બનાવવામાં આવી છે, જેનો તમામ ખર્ચ પ્રોજેક્ટ ડેવલપરે ભોગવવાનો રહેશે. તદુપરાંત, કટોકટીના સમયે સરહદ સુરક્ષા દળ (BSF) અને સશસ્ત્ર દળોના વાહનોની સરળ અવરજવર માટે પૂરતા પહોળા રસ્તાઓ પૂરા પાડવાના રહેશે.

(9:04 PM IST)