<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

અમેરિકાના ઉટાહ રાજ્યના જંગલોમાં ભયાનક આગ: ફાયર ફાઇટિંગ કામગીરી દરમિયાન હેવી-લિફ્ટ હેલિકોપ્ટર ક્રેશ, બે પાઇલટ્સની સ્થિતિ અજ્ઞાત!

ઓરેગોનમાં આગની જ્વાળાઓ વચ્ચે બુલડોઝર ઓપરેટરનું કરૂણ મોત; ગરમ હવામાન અને પવનના કારણે આગ વિકરાળ બનતા બચાવ કામગીરી ઠપ્પ!

રિચફિલ્ડ:  અમેરિકાના પશ્ચિમી રાજ્યો ઉટાહ અને ઓરેગોનના જંગલોમાં લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવાના પ્રયાસો દરમિયાન એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. ઉટાહના ફિશલેક નેશનલ ફોરેસ્ટમાં દાવઝાળ (જંગલની આગ) પર પાણીનો છંટકાવ કરી રહેલું 'સિકોર્સ્કી S-64' હેવી-લિફ્ટ હેલિકોપ્ટર રિચફિલ્ડ નજીક દુર્ઘટનાગ્રસ્ત થઈને ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં સવાર બે ક્રૂ મેમ્બર્સ વિશે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી, કારણ કે ભયાનક આગના કારણે બચાવ ટુકડીઓ ક્રેશ સાઇટ સુધી પહોંચી શકી નથી.

 

બીજી તરફ, ઓરેગોનમાં રાઈટ્સ સ્પ્રિંગ ખાતે લાગેલી આગમાં લાકડાની કંપની માટે કામ કરી રહેલા ૪૭ વર્ષીય બુલડોઝર ઓપરેટર જેસન એન્સાઇનનું અચાનક આગ ઘેરી વળતાં કરૂણ મોત નીપજ્યું હતું. દક્ષિણ-મધ્ય ઓરેગોનમાં ચિલોક્વિન નજીક બુધવારે સળગેલી આગ અત્યાર સુધીમાં ૧૪ ચોરસ માઇલ (૩૬ ચોરસ કિલોમીટર) વિસ્તારમાં ફેલાઈ ચૂકી છે અને તે હજુ પણ સંપૂર્ણપણે અનિયંત્રિત છે. સખત ગરમી અને શુષ્ક હવામાનને કારણે સ્થિતિ સતત વણસી રહી છે.

 

ઉટાહના સેવિયર કાઉન્ટીના શેરિફ નાથન કર્ટિસે જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણે તે વિસ્તારમાં બીજી નવી આગ સળગી ઉઠી છે. જોખમી ભૂપ્રદેશ અને સખત ધુમાડાના કારણે રિસ્પોન્સ ટીમ માટે ત્યાં પહોંચવું અત્યંત જોખમી બની ગયું છે. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) અને FAA દ્વારા આ અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવશે, પરંતુ હાલ પૂરતું જંગલની આગ શાંત થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.

 

ઉટાહના કાનોશ વિસ્તારમાં વીજળી પડવાથી શરૂ થયેલી આ આગ ૧૬૫ ચોરસ માઇલ (૪૨૭ ચોરસ કિલોમીટર) ના વિશાળ વિસ્તારમાં પ્રસરી ગઈ છે. હાલ ૬૦૦ થી વધુ અગ્નિશામક દળના જવાનો, હેલિકોપ્ટર્સ અને ગ્રાઉન્ડ સ્ટાફ આગ પર કાબૂ મેળવવા સતત મથામણ કરી રહ્યા છે. જોકે શુષ્ક વાવાઝોડાં, અનિયમિત પવન અને ગરમીના કારણે પરિસ્થિતિ વધુ પડકારજનક બની રહી છે.

(9:34 PM IST)