News of Saturday, 8th August 2026
ભારતીય રેલ્વેનો માસ્ટરપ્લાન: દેશના ૧૫ પ્રમુખ સ્ટેશનોનો PPP મોડેલથી થશે કાયાકલ્પ : મળશે એરપોર્ટ જેવી સુવિધાઓ
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં આપી માહિતી : વડોદરા, દિલ્હી અને મુંબઈ સહિતના આર્થિક કેન્દ્રોના સ્ટેશનો ખાનગી ભાગીદારીથી બનશે હાઇટેક

નવી દિલ્હી : ભારતીય રેલ્વેએ દેશના મુસાફરોને આંતરરાષ્ટ્રીય સ્તરનો મુસાફરી અનુભવ આપવા માટે એક મોટો અને આકાંક્ષી પ્લાન તૈયાર કર્યો છે. દેશભરના ૧૫ મુખ્ય અને વ્યસ્ત રેલ્વે સ્ટેશનોને જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડેલ હેઠળ સંપૂર્ણપણે પુનર્જીવિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વડોદરા, દિલ્હી-એનસીઆર, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નાઈ જેવા મોટા આર્થિક કેન્દ્રો ધરાવતા સ્ટેશનોની પસંદગી કરવામાં આવી છે. મધ્યપ્રદેશના રાની કમલાપતિ સ્ટેશનની સફળતા બાદ હવે આ તમામ ૧૫ સ્ટેશનો પર વર્લ્ડ-ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે.
આ યાદીમાં આંધ્રપ્રદેશનું વિજયવાડા રેલ્વે સ્ટેશન સૌથી આગળ છે, જ્યાં પુનઃવિકાસ માટે રૂ. ૯૪૬.૬૦ કરોડનો અંદાજિત ખર્ચ નક્કી કરાયો છે અને તેને PPPAC તરફથી મંજૂરી પણ મળી ગઈ છે. આ પ્રોજેક્ટ ‘ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ અને ટ્રાન્સફર’ (DBFOT) મોડેલ આધારિત રહેશે, જેમાં સ્ટેશનની બંને બાજુ નવી ઈમારતો, મલ્ટી-લેવલ પાર્કિંગ, એલિવેટર્સ અને પીક અવર્સમાં ૨૦,૦૦૦ મુસાફરોને સંભાળી શકે તેવા સ્કાયવોક બનાવવામાં આવશે. બાકીના ૧૪ સ્ટેશનો માટે હાલ માસ્ટર પ્લાન અને નાણાકીય મોડેલ તૈયાર કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ ૧૫ સ્ટેશનોનો PPP પ્રોજેક્ટ કેન્દ્ર સરકારની ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ થી સાવ અલગ છે. અમૃત ભારત યોજના હેઠળ દેશના ૧,૩૪૦ નાના-મોટા સ્ટેશનોનો સરકારી ભંડોળથી તબક્કાવાર વિકાસ કરાઈ રહ્યો છે, જેમાંથી ૨૬૧ સ્ટેશનોનું કામ પૂર્ણ પણ થઈ ચૂક્યું છે. જ્યારે આ PPP મોડેલ દ્વારા પસંદ કરાયેલા ૧૫ મોટા જંકશનોમાં ખાનગી રોકાણકારોની મદદથી શોપિંગ કોમ્પ્લેક્સ, ફૂડ કોર્ટ, વિશાળ વેઇટિંગ લાઉન્જ અને આધુનિક સુરક્ષા પ્રણાલી જેવી પ્રીમિયમ સુવિધાઓ ઉમેરીને મુસાફરીના સમગ્ર ખ્યાલને બદલી નાખવામાં આવશે.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
