News of Saturday, 8th August 2026
'તારક મહેતા...' માં કામ કરવાની ઘેલછામાં ૧૬ વર્ષનો કિશોર મધ્ય પ્રદેશથી ભાગી મુંબઈ પહોંચ્યો: ફિલ્મ સિટી પાસે ભટકતા આરે પોલીસે બચાવ્યો!
શાળાએ જવાના બહાને ઘરેથી નીકળી બે ટ્રેનો બદલીને ગોરેગાંવ પહોંચ્યો; સગીરની પૂછપરછ કરી પોલીસે પિતાનો સંપર્ક સાધી વતન રવાના કરવાની તજવીજ હાથ ધરી!

મુંબઈ: સોની ટીવીની અતિ લોકપ્રિય ધારાવાહિક 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં અભિનય કરવાની ઘેલછામાં મધ્ય પ્રદેશનો ૧૬ વર્ષનો એક કિશોર શાળાએ જવાને બહાને ઘરેથી નીકળીને સીધો મુંબઈની ફિલ્મ સિટી પહોંચી ગયો હોવાની રસપ્રદ ઘટના સામે આવી છે. ફિલ્મ સિટી પરિસરમાં શંકાસ્પદ રીતે ભટકતા આ સગીરને આરે પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી પાડી, સમયસૂચકતા વાપરીને તેના પરિવારનો સંપર્ક સાધ્યો હતો.
મળતી માહિતી મુજબ, આરે પોલીસના નોર્થ કંટ્રોલ રૂમને માહિતી મળી હતી કે ફિલ્મ સિટીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે એક અજાણ્યો છોકરો એકલો આંટાફેરા મારી રહ્યો છે. માહિતી મળતા જ સિનિયર ઇન્સ્પેક્ટર રવીન્દ્ર પાટીલના માર્ગદર્શન હેઠળની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને છોકરાને સલામત રીતે આરે પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ પારસ વર્મા (૧૬) અને તે મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લાનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું.
પોલીસે સગીરને વિશ્વાસમાં લઈ વધુ પૂછપરછ કરતા તેણે ખુલાસો કર્યો હતો કે, તેને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલમાં કામ કરવાનો ભારે શોખ હતો, જેથી તે ઘરે કોઈને કહ્યા વિના નીકળી ગયો હતો. ગુરુવારે બપોરે ૨ વાગ્યે છિંદવાડાથી સુપરફાસ્ટ ટ્રેનમાં નાગપુર અને ત્યાંથી બીજી ટ્રેન પકડીને શુક્રવારે સવારે મુંબઈ પહોંચ્યો હતો. મુંબઈમાં લોકલ ટ્રેન દ્વારા ગોરેગાંવ સ્ટેશને ઊતરીને તે ચાલતો ફિલ્મ સિટી પહોંચી ગયો હતો.
આરે પોલીસે તરત જ સગીર પાસેથી તેના પિતાનો મોબાઈલ નંબર મેળવી મધ્ય પ્રદેશ સંપર્ક કર્યો હતો. પિતાએ જણાવ્યું હતું કે દીકરો શાળાએ જવાનું કહીને નીકળ્યા બાદ ઘરે પરત ન ફરતા તેઓ ચિંતાતુર હતા. દીકરો મુંબઈમાં સલામત હોવાની જાણ થતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં પિતા તેને પરત લઈ જવા મધ્ય પ્રદેશથી મુંબઈ આવવા નીકળી ગયા હોવાનું પોલીસે જણાવ્યું છે.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
