<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

પાકિસ્તાનમાં આર્થિક કટોકટી વચ્ચે જનઆક્રોશ ફાટી નીકળ્યો: મોંઘવારી અને ઈંધણ પરના કમરતોડ ટેક્સ સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન!

૭ ઓગસ્ટે દેશભરમાં ૫૦૦ થી વધુ સ્થળોએ રેલીઓ અને ધરણાઓથી વિરોધ; જમાત-એ-ઇસ્લામીની સરકારને આખરી ચીમકી, માંગણીઓ નહીં સંતોષાય તો ૯ ઓગસ્ટથી અનિશ્ચિત મુદતના આંદોલનનું એલાન!

ઈસ્લામાબાદ : પાકિસ્તાનમાં સતત વધી રહેલી અસહ્ય મોંઘવારી, ઈંધણના આસમાને પહોંચેલા ભાવ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર સરકાર દ્વારા લાદવામાં આવેલી ભારે લેવી સામે જનતાનો રોષ હવે ઉગ્ર વિરોધ પ્રદર્શનમાં ફેરવાઈ ગયો છે. શુક્રવાર, ૭ ઓગસ્ટના રોજ દેશભરમાં ૫૦૦ થી વધુ સ્થળોએ વિરોધ રેલીઓ અને ધરણાં યોજાયા હતા, જેના કારણે અનેક મુખ્ય શહેરોમાં વાહનવ્યવહાર અને જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું.

 

કરાચી, લાહોર, પેશાવર, ક્વેટા, ઈસ્લામાબાદ, રાવલપિંડી અને એબટાબાદ સહિતના મુખ્ય શહેરોમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દેશવ્યાપી આંદોલનનું નેતૃત્વ 'જમાત-એ-ઇસ્લામી' (JI) પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. પેટ્રોલિયમ લેવી એ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન પર લાદવામાં આવતો એક નિશ્ચિત કર છે, જેને કારણે સામાન્ય જનતા પર ભારે આર્થિક બોજ પડી રહ્યો છે.

 

જમાત-એ-ઇસ્લામીએ પાકિસ્તાન સરકારને સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું છે કે, જો ઈંધણના ભાવ અને ટેક્સ ઘટાડવાની લોકોની વ્યાજબી માંગણીઓ તાત્કાલિક સ્વીકારવામાં નહીં આવે તો ૯ ઓગસ્ટથી દેશભરમાં વધુ મોટું અને અનિશ્ચિતકાળનું આંદોલન શરૂ કરવામાં આવશે. સતત ખાડામાં ઉતરી રહેલી અર્થવ્યવસ્થા વચ્ચે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોથી શહબાઝ શરીફ સરકારની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.

(10:40 PM IST)