News of Saturday, 8th August 2026
જમ્મુ-કાશ્મીરમાં કુદરતનો પ્રકોપ: ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે અમરનાથ યાત્રા અસ્થાયી રૂપે મોકૂફ!
પહલગામ અને બાલ્ટાલ બંને મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર અને પદયાત્રા સ્થગિત; શ્રાઈન બોર્ડ દ્વારા ક્ષતિગ્રસ્ત ટ્રેકના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ!

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં સતત થઈ રહેલા ભારે વરસાદ અને વિવિધ સ્થળે થયેલા ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) ને કારણે પવિત્ર અમરનાથ યાત્રા અટકાવી દેવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતાં શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ અને સ્થાનિક પ્રશાસને પહલગામ અને બાલ્ટાલ બંને મુખ્ય માર્ગો પરથી યાત્રા અસ્થાયી રૂપે મોકૂફ રાખવાનો સત્તાવાર નિર્ણય લીધો છે.
ભૂસ્ખલનને કારણે પહાડી રસ્તાઓ અને યાત્રાના ટ્રેકને ભારે નુકસાન પહોંચ્યું છે. આથી શ્રાઈન બોર્ડની ટેકનિકલ ટીમો અને આપત્તિ વ્યવસ્થાપન દળો દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માર્ગો સંપૂર્ણપણે સુરક્ષિત ન થાય ત્યાં સુધી ભક્તોને આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
ચાલુ વર્ષની આ પવિત્ર યાત્રામાં અત્યાર સુધીમાં ૪.૮ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના પવિત્ર દર્શન કરી ધન્યતા અનુભવી છે. યાત્રા મોકૂફ રહેવાને કારણે બેઝ કેમ્પ તેમજ રસ્તામાં અટવાયેલા હજારો યાત્રાળુઓ માટે તંત્ર અને સ્થાનિક લંગરો દ્વારા રહેવા તેમજ ભોજનની પૂરતી અને સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. હવામાન સુધરતાં અને ટ્રેકનું રિપેરિંગ પૂર્ણ થયા બાદ યાત્રા પુનઃ શરૂ કરવામાં આવશે.
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
