<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

દિલ્હીથી કેબ બુક કરાવી કારની લાલચમાં ડ્રાઇવરની ઘાતકી હત્યા: ૪ રાજ્યોમાં દરોડા પાડી પોલીસે ઉકેલ્યો બ્લાઇન્ડ મર્ડરનો ભેદ!

જસોલાથી જયપુર જવા નીકળેલા ચાર મિત્રોએ રસ્તામાં રચી ભયાનક યોજના; ગળાફાંસો આપી લાશ ફેંકી કાર અને ફોન લૂંટી ભાગી છૂટેલી ગેંગના પર્દાફાશમાં સગીરે ખોલ્યા રહસ્યો!

નવી દિલ્હી: દિલ્હીથી જયપુર જવાના નામે કેબ બુક કરાવીને ૨૨ વર્ષીય યુવાન ડ્રાઇવરની નિર્દયતાથી હત્યા કરી દેવાના ચકચારી 'બ્લાઇન્ડ મર્ડર' કેસનો દિલ્હી પોલીસે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. માત્ર કાર ચોરીને વેચી દેવાની લાલચમાં આચરાયેલા આ ભયાનક ગુનામાં પોલીસે એક સગીર સહિત કુલ પાંચ આરોપીઓની અટકાયત કરી છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશના ઔરૈયાના વતની અને નોઈડામાં રહીને પોતાની કેબ ચલાવતા ૨૨ વર્ષીય આશિષ પાલ ૧૯ જુલાઈથી અચાનક ગુમ થયા હતા. ત્યારબાદ ૨૨ જુલાઈના રોજ રાજસ્થાનના જયપુર ગ્રામીણના મોખમપુરા વિસ્તારમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. દિલ્હીના જસોલા સ્થિત એપોલો હોસ્પિટલ પાસેના છેલ્લા લોકેશન અને ઘટનાસ્થળના આધારે સરિતા વિહાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા.

 

પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી કે રાજસ્થાનના નાગૌરના રહેવાસી ચાર મિત્રો—અર્જુન, મંગલદીપ ઉર્ફે સાનુ, સુમિત અને એક ૧૬ વર્ષીય સગીર દિલ્હી ફરવા આવ્યા હતા. ૨૦ જુલાઈની સવારે તેઓએ જસોલાથી મુંબઈ એક્સપ્રેસ વે થઈને જયપુર જવા માટે આશિષની કેબ ₹૬,૫૦૦ માં બુક કરી હતી. મુસાફરી દરમિયાન મુખ્ય આરોપી અર્જુને કાર લૂંટીને વેચી દેવાનું ષડયંત્ર રચ્યું હતું અને અન્ય મિત્રોને પૈસાની લાલચ આપી હતી. જયપુરથી આશરે ૪૦-૫૦ કિલોમીટર દૂર ડ્રાઇવરે શૌચાલય માટે કાર રોકતાં જ આરોપીઓએ તેને દબાવીને પાછળની સીટ પર ખેંચી લીધો હતો અને ગળાફાંસો આપી તેની નિર્મમ હત્યા કરી દીધી હતી.

 

હત્યા બાદ લાશને રસ્તા પર ફેંકી આરોપીઓ કાર, મોબાઈલ અને વોલેટ લઈને અજમેર થઈ નાગૌર ભાગી ગયા હતા. દિલ્હી પોલીસે સીસીટીવી ફૂટેજ, ફોરેન્સિક અને ડિજિટલ પુરાવાઓના આધારે ગોવા, પુણે, જયપુર અને બેવાર સહિત ચાર રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. સૌપ્રથમ પકડાયેલા સગીરે પોલીસની કડક પૂછપરછમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, જેના આધારે આરોપીઓને છુપાવવામાં મદદ કરનાર બે શખ્સો સહિત અન્ય તમામ ગુનેગારોને જેલહવાલે કરવામાં આવ્યા છે.

(11:21 PM IST)