News of Sunday, 9th August 2026
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ગરમાવો: શરદ પવાર જૂથના ૮ સાંસદો પીએમ નરેન્દ્ર મોદીને મળશે, નવી રાજકીય અટકળો વહેતી થઈ!
મહારાષ્ટ્રના વિકાસ પ્રકલ્પો અંગે સંસદમાં રજૂઆત કરવાનો દાવો; સુપ્રિયા સુલેએ દિલ્હીમાં બેઠક માટે સમય માંગવામાં આવ્યો હોવાની કરી પુષ્ટિ!

નવી દિલ્હી: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટા ધમાકાના એંધાણ વર્તાઈ રહ્યા છે. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) જૂથના તમામ આઠ સાંસદો આગામી સોમવાર, ૧૦ ઓગસ્ટના રોજ નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. આ સંભવિત હાઈ-પ્રોફાઈલ બેઠકને પગલે રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા અને વિવિધ અટકળો શરૂ થઈ ગઈ છે.
NCP (SP) ના અગ્રણી નેતા અને સાંસદ સુપ્રિયા સુલેએ સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં વડાપ્રધાન કાર્યાલય (PMO) પાસે મુલાકાત માટે સમય માંગ્યો હોવાની સત્તાવાર પુષ્ટિ કરી છે. લોકસભા અને રાજ્યસભાના મળીને શરદ પવાર જૂથના તમામ આઠેય સાંસદો આ ડેલીગેશનમાં સામેલ થશે. સુપ્રિયા સુલેના જણાવ્યા અનુસાર, આ બેઠકનો મુખ્ય હેતુ મહારાષ્ટ્ર સંબંધિત અટકેલા વિકાસ પ્રકલ્પો, માળખાકીય સુવિધાઓ અને રાજ્યના જ્વલંત પ્રશ્નો અંગે વડાપ્રધાનનું ધ્યાન દોરવાનો અને કેન્દ્રીય સહયોગ મેળવવાનો છે.
જોકે, મહારાષ્ટ્રમાં બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે વિપક્ષી જૂથના તમામ સાંસદોનું વડાપ્રધાનને એકસાથે મળવા જવું રાજકીય દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી બેઠક માટે સત્તાવાર સમય મળ્યા બાદ જ આ મુલાકાતનું અંતિમ શેડ્યૂલ નક્કી થશે, પરંતુ હાલમાં આ સંભવિત બેઠક પર સમગ્ર દેશના રાજકીય વિશ્લેષકોની નજર મંડાયેલી છે.
(12:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
