<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

ચીનના યુનાનમાં જંગલી હાથીઓનો આતંક: પગમાં કેબલ ફસાતા ગુસ્સે ભરાયેલા હાથીએ ઇલેક્ટ્રિક વહીકલ ચાર્જિંગ સ્ટેશનનો ભૂકો બોલાવ્યો!

સાથી હાથીનો બચાવ કે કુતુહલ? વાયરલ વીડિયોને પગલે નેટીઝન્સ વચ્ચે જંગલી પ્રાણીઓની બુદ્ધિમત્તા અને વર્તણૂક અંગે રમુજી ચર્ચા જાગી!

બેઇજિંગ : ચીનના યુનાન પ્રાંતમાં જંગલી હાથીઓના એક ઝુંડ અને રસ્તાના કિનારે આવેલા ઇલેક્ટ્રિક વહીકલ (EV) ચાર્જિંગ સ્ટેશન વચ્ચે થયેલી વિચિત્ર અને નાટ્યાત્મક મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના ઓગસ્ટ ૬ ની સાંજે બની હતી, જ્યારે જંગલી હાથીઓનું એક જૂથ યુનાનના મુખ્ય રસ્તા પરથી પસાર થઈ રહ્યું હતું.

 

આ સફર દરમિયાન, ચાર્જિંગ સ્ટેશનનો વાયર એક નાના હાથીના પગમાં અચાનક ફસાઈ ગયો હતો. પોતાના સાથીને મુશ્કેલીમાં જોઈને ઝુંડનો બીજો વિશાળ હાથી તરત જ હરકતમાં આવ્યો હતો. તેણે ગુસ્સામાં અથવા બચાવના ભાગરૂપે ચાર્જિંગ સ્ટેશન પર સીધો હુમલો કરી દીધો હતો અને ભારેખમ સાધનોને એક જ આંચકામાં જમીનદોસ્ત કરી પછાડી દીધા હતા.

 

આ ઘટનાના વાયરલ વિડિયો બાદ ઓનલાઇન યુઝર્સ વચ્ચે હાથીના વર્તનને લઈને અવનવી ટિપ્પણીઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો તેને હાથીઓની ઉત્કૃષ્ટ બુદ્ધિમત્તા અને પોતાના પરિવાર પ્રતીની સુરક્ષાત્મક ભાવના ગણાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, "હાથીની માતાએ પોતાના બચ્ચાના રક્ષણ માટે આ મશીન તોડી પાડ્યું." જ્યારે અન્ય એક દર્શકે દાવો કર્યો હતો કે હાથી ગુસ્સામાં નહોતો પરંતુ તે માત્ર અજાણી વસ્તુની તપાસ કરી રહ્યો હતો.

 

યુનાન પ્રાંત તેના જંગલી એશિયાઈ હાથીઓ માટે વૈશ્વિક સ્તરે જાણીતો છે. આ અગાઉ પણ યુનાનના હાથીઓના ઝુંડે લાંબી મુસાફરી કરીને વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું હતું. આ તાજેતરની ઘટનાએ ફરી એકવાર લોકોને યુનાનના સમૃદ્ધ વન્યજીવન અને હાથીઓના અદ્ભુત વર્તનની અનોખી ઝલક પૂરી પાડી છે.

(9:36 PM IST)