News of Saturday, 8th August 2026
યુવાનોને રીલ્સના ચક્રવ્યૂહમાં ફસાવીને મજુર બનાવી દીધા: રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર સણસણતો પ્રહાર
પ્રયાગરાજમાં ‘છત્રોં કી ગૂંજ’ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ શિક્ષણ પ્રણાલી, બેરોજગારી, પેપર લીક અને ડેટા ચોરી જેવા ગંભીર મુદ્દાઓ પર કેન્દ્ર સરકારની નીતિઓની આકરી ટીકા કરીને દેશના યુવાનોની પીડાને વાચા આપી

પ્રયાગરાજ: કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજમાં યોજાયેલા "છત્રોં કી ગૂંજ" કાર્યક્રમમાં કેન્દ્ર સરકાર અને વર્તમાન સિસ્ટમ પર તીખા પ્રહારો કર્યા છે. તેમણે ભારતના 400 મિલિયન યુવાનોની ક્ષમતા અને ડેટા શક્તિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સોશિયલ મીડિયા અને રીલ્સનું વ્યસન યુવાનોને પોતાના હક્કોથી વંચિત રાખી રહ્યું છે. લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ ડિગ્રીઓ રોજગાર આપવામાં નિષ્ફળ નીવડી રહી છે, જેના કારણે ભણેલા-ગણેલા યુવાનો બ્લિંકિટ કે ઉબેર જેવી કંપનીઓમાં દૈનિક મજૂર તરીકે કામ કરવા મજબૂર બન્યા છે.
સિસ્ટમમાં વ્યાપેલી ખામીઓ અને પેપર લીકની ઘટનાઓ પર રોષ વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, મોંઘા શિક્ષણ છતાં આજની ડિગ્રીઓ બેરોજગારો માટે અર્થહીન સાબિત થઈ રહી છે. તેમણે એક ચોંકાવનારો આંકડો આપતા કહ્યું કે દેશમાં દર હજાર યુવાનોમાંથી માત્ર ૧૨ લોકોને જ ખાનગી ક્ષેત્રમાં નોકરી મળી રહે છે. કાર્યક્રમ દરમિયાન એક યુવાને પોતાની આપવીતી રજૂ કરતા કહ્યું કે પેપર લીકની માફિયાગીરીને કારણે મહેનતુ યુવાનોનું ભવિષ્ય રોળાઈ રહ્યું છે અને પૈસાદાર લોકો સિસ્ટમ ખરીદી રહ્યા છે.
૨૧મી સદીની ટેકનોલોજી અને ડેટા સંપત્તિ વિશે વાત કરતા રાહુલ ગાંધીએ ભારપૂર્વક કહ્યું કે ભારત પાસે વિશ્વનો સૌથી મોટો ડેટા ભંડાર છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માટે બળતણ સમાન છે. જેમ ૨૦મી સદીમાં એન્જિન માટે પેટ્રોલ જરૂરી હતું, તેમ આજે AI માટે ભારતીય યુવાનોનો ડેટા સૌથી મોટી મૂડી છે. જોકે, સરકારની નીતિઓને કારણે આ સંપત્તિનો લાભ યુવાનો સુધી પહોંચવાના બદલે તેમને ચક્રવ્યૂહમાં હોમાઈ જવું પડે છે, છતાં દેશનું ભવિષ્ય યુવાનોની આંતરિક તાકાત પર જ નિર્ભર રહેશે.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
