<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન: ભારત-યુએસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અંગે થઈ મહત્ત્વની ચર્ચા!

વેપાર, સંરક્ષણ, ક્રિટિકલ ટેકનોલોજી અને ઊર્જા સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પ્રતિબદ્ધતા; પીએમ મોદીએ વાન્સ દંપતીને પુત્રજન્મ બદલ પાઠવી શુભકામનાઓ!

નવી દિલ્હી: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે શનિવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. પશ્ચિમ એશિયાના બદલાતા પ્રાદેશિક સમીકરણો વચ્ચે યોજાયેલી આ મહત્ત્વપૂર્ણ વાર્તાલાપ દરમિયાન બંને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક સંબંધોને વધુ ઊંડા અને મજબૂત બનાવવાના વિવિધ ઉપાયો પર વિસ્તૃત ચર્ચા કરી હતી.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વાતચીત અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, "અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સનો ફોન કોલ મળ્યો. અમે મુખ્ય ક્ષેત્રોમાં ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની દિશામાં ચર્ચા કરી. ઉપરાંત, મેં તેમને અને સેકન્ડ લેડી ઉષા વાન્સને તેમના પુત્રના જન્મ બદલ હાર્દિક અભિનંદન અને સમગ્ર પરિવારને શુભકામનાઓ પાઠવી છે."

 

પીઆઈબી (PIB) દ્વારા જારી કરાયેલી પ્રેસ રિલીઝ અનુસાર, વાર્તાલાપ દરમિયાન બંને દેશોના નેતાઓએ ઉચ્ચ-સ્તરીય જોડાણોની ગતિવિધિઓની સમીક્ષા કરી હતી. તેમણે દ્વિપક્ષીય વેપાર, સંરક્ષણ ક્ષેત્રે સહયોગ, મહત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજી (iCET), ઊર્જા સુરક્ષા તથા મહત્વપૂર્ણ ખનિજો (Critical Minerals) ના ક્ષેત્રમાં ભાગીદારી વધારવાની તેમની કટિબદ્ધતા દોહરાવી હતી. આ સિવાય બંને નેતાઓએ પરસ્પર હિત ધરાવતા વૈશ્વિક અને પ્રાદેશિક વિકાસ પર પણ પોતાના વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.

(11:44 PM IST)